પાલનપુરઃ નાની ભટામલ ગામે ઘરના બે મોવડીના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને પરિવારના 4 સભ્યોએ ડેમમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. આ ચારેય સભ્યોનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જેમાં 8 વર્ષની દીકરી અને 5 વર્ષનો દીકરો એમ કુલ બે બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસે સામુહિક આત્મહત્યાના દુષ્પ્રેરણના બે આરોપી એવા ઘરના મોવડીઓની ધરપકડ કરી લીધી છે.
સમગ્ર ઘટનાક્રમઃ નાની ભટામલ ગામે રહેતા નારણ સિંહ ચૌહાણના લગ્ન 11 વર્ષ અગાઉ દાંતીવાડાના ભાડલી ગામના રહેવાસી નયનાબા સાથે થયા હતા. આ લગ્નજીવનને પરિણામે નારણ સિંહને 3 સંતાનો પણ થયા હતા. ઘરમાં નારણ સિંહ અને તેના પિતા ગેન સિંહ ચૌહાણનો શારીરિક અને માનસિક ત્રાસ બહુ રહેતો હતો. પતિ અને સસરાના ત્રાસને લીધે પુત્રવધુ નયનાબાનું જીવન નર્કાગાર બની ગયું હતું. સાસુ કનુબા પણ આ પારિવારીક ત્રાસથી પીડાતા હતા. છેવટે નબળી ક્ષણે સાસુ અને પુત્રવધુએ 8 વર્ષની દીકરી સપનાબા અને 5 વર્ષનો દીકરા વિરમ સિંહને સાથે લઈ દાંતીવાડા ડેમમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. બીજો એક પુત્ર શાળાએ ગયો હોવાથી તે બચી ગયો હતો. મૃતક નયનાબાના ભાઈએ પાલનપુર તાલુકા પોલીસ મથકમાં પતિ અને સસરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી સત્વરે કાર્યવાહી હાથ ધરી હતી. ચારેય મૃતદેહોને ડેમમાંથી કાઢવામાં આવ્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ સામુહિક આત્મહત્યા દુષ્પ્રેરણના આરોપી પતિ નારણ સિંહ ચૌહાણ અને સસરા ગેન સિંહ ચૌહાણની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તારીખ 5/11/2023ના રોજ નાનીભટામલ ગામનાં એક પરિવારના 4 સભ્યોએ ડેમમાં પડીને આત્મહત્યા કરી હતી. જેમાં પાલનપુર પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસ દ્વારા તરવૈયાઓને જાણ કરીને આ ચારે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતક પત્નીના ભાઈ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી કે તેમના બહેનના પતિ તેમને વારંવાર હેરાન પરેશાન કરતા હતા.ઘરના સભ્યોને માનસિક ત્રાસ પણ આપતા હતા. તેમની ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં તેમના પતિ અને સસરાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે...જીગ્નેશ ગામીત(DySP, પાલનપુર)