બનાસકાંઠાઃ જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઇ જતા નુકસાન થયું છે. ડીસા અને લાખણી તાલુકાના અંદાજિત 10 જેટલા ગામોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે ખેડૂતોનો પાક નષ્ટ થયો છે, છતા સરકારે બનાસકાંઠા જિલ્લાને સહાય પેકેજમાંથી બાકાત રાખતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે.
બનાસકાંઠામાં આવેલા કમોડા ગામના અહીં છેલ્લા બે મહિનાથી અંદાજિત 300 હેક્ટર ખેતરમાં આ જ રીતે પાણી ભરાયેલા છે. અહીં ભારે વરસાદના પગલે અનેક ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. ખેડૂતોએ મહા મહેનત કરી દિવસ રાત કાળી મજૂરી કરી પાક તૈયાર કર્યો હતો પરંતુ ભારે વરસાદના કારણે તૈયાર થયેલો પાક તહેસ નહેસ થઈ ગયો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 3700 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું. તેમાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બાકાત રાખતા સરકાર સામે રોષ ફેલાયો છે.
બનાસકાંઠા જિલ્લામાં ડીસા અને લાખણી તાલુકાના અંદાજિત 10 ગામમાં ભારે વરસાદના કારણે નુકસાન થયું છે. જેમાં કમોડા, ડેકા, શરત, પેછડાલ, કંસારી સહિત આજુબાજુના ખેતરો હજૂ પણ પાણીમાં તરબોળ છે. 2 મહિનાથી આ ખેતરો બેટમાં ફેરવાઈ ગયેલા છે અને હજૂ પણ આગામી બે-ત્રણ મહિના સુધી આ ખેતરમાંથી પાણી સુકાય તેવી કોઈ જ શક્યતા દેખાતી નથી.
જેના કારણે ખેડૂતોને ચોમાસુ સીઝન તો નિષ્ફળ ગયું છે પરંતુ શિયાળું સીઝનમાં પણ લઇ શકે તેવી કોઈ જ પરિસ્થિતિ અત્યારે દેખાતી નથી. એક તરફ કુદરતનો કહેર અને બીજી તરફ સરકારે પણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોથી મોં ફેરવી લીધુ હોય તે રીતે સરકાર પણ મદદ કરવાને બદલે આંખ આડા કાન કરી રહી છે, વારંવાર નુકશાનથી કંટાળેલા ખેડૂતોએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો અને સરકાર તાત્કાલિક સહાય જાહેર નહિ કરે તો આગામી સમયમાં રોડ પર ઉતરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.