વડગામઃ તાલુકામાં સરસ્વતી નદી ઉપર આવેલ મુકતેશ્વર ડેમના ઉપર વાસમાં પાછોતરો વરસાદ થતા સરસ્વતી (કુવારીકા) નદીમાં પાણી આવતા નદીના કાંઠે રહેતા ખેડુતો અને આમ જનતામાં ખુશી જોવા મળી હતી. જયારે ચોમાસુ પુરૂ થવા ના આરે હતુ અને હવામાન વિભાગ દ્વારા આગાહીના પગલે રવિવારના રોજ રાત્રીના સમયે ઉપરવાસમાં વરસાદ થતા મુકતેશ્વર ડેમ જે ખાલીખમ હતો. જેમાં પાણીની આવક થઇ હતી, જ્યારે વડગામ તાલુકાના ખેડૂતો અને આમ જનતામાં નારાજગી હતી, કે જો મુકતેશ્વર ડેમ જો વરસાદી પાણીથી ના ભરાય તો ખેતી કરવી તો દુર પણ વડગામ તાલુકા ગામડાના લોકોને પીવાના પાણીના પણ ફાંફાં પડે તેમ હતા.
ત્યારે મેઘરાજા મહેરબાન થતા અને ઉપરવાસમાં વરસાદ થતા સરસ્વતી નદીમાં પાણી આવતા લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી કે વડગામ તાલુકો વરસાદી પાણી ઉપર નિર્ભર હોય ત્યારે જો વરસાદી પાણીથી મુકતેશ્વર ડેમ ના ભરાય તો સરસ્વતી નદી કાંઠે વસતા ખેડૂતો અને આમ જનતાને પાણીના તળ ઉંડા જવાથી ખેડુત ખેતી પણ ના કરી શકે અને આમ જનતાને પાણી પીવાની પણ તકલીફ પડે છે.
ચોમાસું ઋતુ હવે અંતિમ ચરણમાં છે ત્યારે ચોમાસું ઋતુના પહેલા રાઉન્ડમાં વરસાદ ન વરસતા સૌ ચિંતાતુર હતા અને નદી નાળા તળાવ કોરા ધાકોર રહેવાથી તાલુકાની જનતામાં ચિતાનું મોજુ ફરી વળ્યુ હતું, પણ મેધરાજાના બીજા રાઉન્ડ ઉપરવાસમાં વરસાદ પડતા મુકતેશ્વર ડેમમાં પાણીના નવા નીર આવતા વડગામ તાલુકાની જનતામા ખુશી લહેર જોવા મળી હતી.
જલોત્રાના પાણીયારી આશ્રમથી નિકળતી જોયણ નદી સોમવારના રોજ વડગામ તાલુકાના સીસરાણા ગામે ત્રણ વર્ષ બાદ ફરીથી જીવીત થઇ હોય તેવું લાગી રહ્યું છે. જેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. મુકતેશ્વર ડેમ ખાતે પણ ડેમના અધિકારીઓ પણ હાજર રહી ગ્રાઉન્ડ ઝીરોની તમામ વિગત મેળવી હતી તથા હજુ પણ વરસાદ ચાલું હોય તો પાણીની વધુ આવક થાય તેવી આશાઓ લોકો દ્વારા સેવાઈ રહી છે. અધિકૃત રીતે 5 વાગ્યાના સમયે સુધી 3224 ક્યૂસેક પાણીની આવક થઇ હતી અને જો વરસાદ યથાવત સ્થિતિમાં રહે તો પાણીની આવક વધુ થાય તેમ છે.