બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસ નદીમાં છેલ્લા ઘણા સમયથી રેતીનું ગેરકાયદેસર ખનન થતું હોવાની માહિતી ખાણ ખનીજ વિભાગને મળી હતી. જેથી ખાણ ખનીજ વિભાગે ખાનગી રાહે તપાસ કરતા કાંકરેજ તાલુકાના ઉંબરી અને રાનેર પાસે બનાસ નદીમાં ગેરકાયદેસર રેતીનું ખનન થતું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ બનાસનદીમાં ઓચિંતો છાપો મારતા ગેરકાયદેસર રેતીનું ખનન કરતું હિટાચી મશીન અને ચાર ડમ્પર ઝડપી પાડ્યા છે. જેથી ટીમે હિટાચી મશીન અને ચાર ડમ્પર સહિત કુલ દોઢ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
જ્યારે ડમ્પર અને હિટાચી મશીનના માલિકોને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ખાણ ખનીજ વિભાગની કડક કાર્યવાહીથી અન્ય માફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત બનાસનદીની રેતી બાંધકામ માટે સારી હોવાના કારણે રોજ-બરોજની મોટા પાયે રેતીની ચોરી થાય છે. અગાઉ પણ ખનન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓ માંથી રેતી ચોરી કરતા શખ્સોને ઝડપી પાડી દંડ કરવામાં આવ્યો છે, પરંતુ તેમના સાધનો છૂટયા બાદ ફરીથી રેતી ચોરી કરવાનું શરૂ કરવામાં આવે છે અત્યારે હાલ લોકોની માંગ છે કે, બનાસ નદી માંથી ચોરી થતી અટકાવવામાં આવે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.