મહેસાણા: પાટીદાર અનામત આંદોલનના રાજદ્રોહના કેસ પરત ખેંચવાના સમાચાર મળતા જ પાસ અને એસપીજીના હોદ્દેદારોએ આ બાબતે ખુશી વ્યક્ત કરી હતી અને બાકીના કેસો પરત ખેંચવા પણ સરકાર સમક્ષ માગણી કરી છે. ત્યારે હવે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસો પરત ખેંચાતા હવે અન્ય સમાજ ના આગેવાનો દ્વારા પણ કેસ પરત ખેંચવા માંગ કરી રહ્યા છે. ક્ષત્રિય ઠાકોર સમાજ અને ઓબીસી સમાજ પર આંદોલન દરમિયાન થયેલા કેસો પણ પરત ખેંચવા માંગ ઉઠી છે. ક્ષત્રિય ઠાકોર અને ઓબીસી સમાજ દ્વારા વ્યસન મુક્તિ અને જનતા રેડ કરતા તે સમયે કેસ કરવામાં આવ્યા હતા. તે કેસો પણ પરત ખેંચવા માંગ કરવામાં આવી રહી છે.
CM સમક્ષ પૂર્વ ધારાસભ્યએ શું માંગ કરી?
મહેસાણાના બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે સમગ્ર મામલે CMને લેખિત રજૂઆત કરી માગણી કરી છે કે, ક્ષત્રિય, ઠાકોર સમાજ અને ઓબીસી સમાજ પર થયેલા કેસો પણ પરત ખેંચવા જોઈએ. બહુચરાજીના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ નિવેદન કર્યું છે કે, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા 2012 થી 2017 દરમિયાન વ્યસન મુક્તિને લઇ જનતા રેડ તેમજ ચક્કાજામ કરવામાં આવ્યું હતું. આંદોલન દરમિયાન કોઈપણ સરકારી મિલકતોને નુકસાન કે કોઈ પણ પ્રકારનો કાયદો હાથમાં નથી લેવાયો. છતાં ઠાકોર સમાજ અને ઓબીસી સમાજના યુવાનો પર ખોટા કેસ કરવામાં આવ્યા હતા. આ કેસોની મુદતો હજુ પણ ચાલી રહી છે. પાટીદાર સમાજના કેસ પરત ખેંચ્યા તેમ ઠાકોર સમાજ અને ઓબીસી સમાજના યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવા કરી માંગ કરી છે.
નોંધનીય છે કે, આ પહેલા ગઈકાલે પાટીદાર અનામત આંદોલનના રાજદ્રોહ કેસ પરત ખેંચવાનો મુદ્દો સામે આવતા પાસ કન્વીનર સતીશ પટેલે નિવેદન કર્યું હતું કે, રાજદ્રોહના કેસ તો પરત ખેંચાયા પરંતુ મહેસાણામાં સાતથી વધુ કેસ હજુ પાટીદાર યુવાનો અને પાસ આગેવાનો પર પેન્ડિંગ છે. જે પરત ખેંચવા સતીશ પટેલે માંગ કરી હતી. ત્યારે હવે ઠાકોર સમાજ, ઓબીસી સમાજના યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ ઉઠી છે.
આ પણ વાંચો: