બનાસકાંઠાઃ જિલ્લાની બનાસડેરી દ્વારા 1400થી વધુ દૂધ મંડળીઓ દ્વારા દૂધ એકત્ર કરતા હાલ દૂધ કલેક્શન ક્ષેત્રે એશિયાની નંબર વન ડેરી બની ગઈ છે. બનાસડેરી દ્વારા દર વર્ષે તમામ મંડળીઓની વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવે છે. જેમાં સભાસદો માટેની નવી યોજના, ડેરીના નફા નુકસાનની વિગતો મંડળીના નફાની વહેંચણી જેવી બાબતો પર ચર્ચા થતી હોય છે. ત્યારે આ વર્ષે પણ આગામી તારીખ 26 જુલાઇના રોજ ડેરી દ્વારા વાર્ષિક સાધારણ સભા તારીખ નક્કી કરાઇ હતી.
જો કે, કોરોના મહામારીને લઇ 1400થી વધુ મંડળીઓના સભાસદો એક જગ્યાએ ભેગા થાય તો કોરોના સંક્રમણ થવાનો ભય ખૂબ જ વધી જ જાય તેમ હોવાથી આ સાધારણ સભા રદ કરવા કેટલાક સભાસદો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જ્યારે કેટલાક ડિરેક્ટરો તેમજ સભાસદો સાધારણ સભા યોજાય તે માટે મક્કમ હોય છે. આ બાબતે વિવાદ સ્વરૂપ લીધું છે. ત્યારે હવે જિલ્લા કલેક્ટર આ બાબતે નિર્ણય લે છે તે જોવાનું રહ્યું.