- ડીસામાં શિયાળાની સીઝનમાં કેરીના રસનું વિતરણ કરવાની પરંપરા
- મોદી સમાજના લોકો નિભાવી રહ્યા છે 345 વર્ષ જૂની પરંપરા
- કોરોના મહામારી દેશમાંથી જતી રહે તે માટે ભક્તોએ કરી પ્રાર્થના
બનાસકાંઠાઃ હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે. હિન્દુ ધર્મના લોકો સૌથી વધુ ભક્તિ અને આસ્થામાં માનતા હોય છે. આજે પણ બનાસકાંઠા જિલ્લામાં હિન્દુ ધર્મના લોકો વર્ષો જૂની પરંપરા અલગ અલગ રીતે નિભાવી રહ્યા છે. હાલમાં શિયાળાની સીઝન ચાલી રઈ છે ત્યારે ઉનાળાની સીઝનમાં જોવા મળતો કેરીનો રસ અત્યારે ડીસામાં જોવા મળી રહ્યો છે.
જાણો શા માટે શિયાળાની સીઝનમાં કેરીના રસનું કરાઈ છે વિતરણ
ડીસામાં મોદી સમાજના કુળદેવી બહુચર માતા છે અને વિક્રમ સંવત 1732ની માગશર સુદ બીજના દિવસે અમદાવાદના નવાપુરા સ્થિત માતાજીનાં ભક્ત એવા વલ્લભ ભટ્ટને માતાજી પ્રસન્ન થયા હતા અને દર્શન આપ્યા હતા. માતાજીએ પ્રસન્ન થઈ દર્શન આપતા વલ્લભ ભટ્ટને ગામ જમાડવાનો હુકમ કર્યો હતો અને જમણવારમાં કેરીનો રસ અને રોટલી પીરસવાનું કહ્યું હતું, ત્યારે માગશર માહિનામાં કેરી તો મળી ન શકે પરંતુ તેમ છતાં વલ્લભ ભટ્ટે ગામ જમણવારની તૈયારીઓ પૂરી કરી અને જ્યારે ગામના લોકોને જમવાનું આપવાનો સમય થયો, ત્યારે વલ્લભ ભટ્ટના ઘરે રહેલા પાત્રો ચમત્કારિક રીતે કેરીનાં રસથી ભરાઈ ગયા હતા.
કોરોના વાઈરસના કારણે આ વર્ષે સાદગીપૂર્વક ઉજવણી
ડીસામાં 345 વર્ષ જૂની પરંપરાને ટકાવી રાખવા માટે છેલ્લા કેટલાક વર્ષથી માગશર સુદ બીજના દિવસે રસ રોટલીના પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને તેમાં ડીસા શહેરમાં રહેતા મોદી સમાજના અંદાજિત 5 હજારથી વધુ લોકો જોડાઈ કેરીનાં રસનો સ્વાદ માણે છે. જોકે, ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે જે દર વર્ષે મોદી સમાજમાં ધામધૂમ પૂર્વક ઉજવણી થતી હતી તેને મોકૂફ રાખી મોદી સમાજની 25 જેટલી મહિલાઓ એકત્ર થઈ વર્ષો જૂની પરંપરાની ઉજવણી કરી હતી.
ગત વર્ષે 2400 લીટર રસનો પ્રસાદ વહેંચ્યો હતો
જિલ્લામાં કોરોના વાઈરસ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સૌથી વધુ કોરોના વાઈરસના કેસ જિલ્લાના ડીસા શહેરમાં જોવા મળી રહ્યા છે. જે અંતર્ગત ડીસામાં સંક્રમણ ન વધે તે માટે હાલ સરકારી ગાઈડ લાઈન મુજબ લોકો વિવિધ તહેવારોની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે બુધવારે મોદી સમાજ દ્વારા ઉજવાયેલા રસ રોટલી કાર્યક્રમમાં પણ મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્ટ જાળવી પ્રસાદ લીધો હતો. તેમજ દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ભોજન પ્રસાદ લેતા હોય છે તે પણ મોફૂંક રાખ્યો હતો. ગત વર્ષે 2400 લીટર રસનો પ્રસાદ વહેચ્યો હતો, જોકે, આ વર્ષે કોરોના મહામારીના કારણે મોદી સમાજના આગેવાનોએ 100 લીટર કેરીનો રસ પ્રસાદ રૂપે જે દર્શન કરવા આવ્યા હતા, તેમને આપ્યો હતો. તેમજ માં બહુચર માતાજીને પ્રાથના કરી હતી કે હાલ ચાલી રહેલી કોરોના મહામારી સંપૂર્ણપણે નાશ થઈ જાય, તેમજ આવતા વર્ષે રસ રોટલીનો કાર્યક્રમની ઉજવણી ધામધૂમ પૂર્વક કરીશું.