બનાસકાંઠાઃ જિલ્લાના જેસોર રીંછ અભ્યારણ્યની બે દિવસની મુલાકાતે મહારાષ્ટ્ર સરકારના સલાહકાર ડો. અફરોજ અહમદે આવ્યા હતા. તેમણે જેસોર રીંછ અભ્યારણ્યની મુલાકાત દરમ્યાન વન્યપ્રાણીઓના સંવર્ધન માટે કરવામાં આવી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો હતો.
મહારાષ્ટ્ર્માં આવેલ તોરણમહાલ વિસ્તારને ગુજરાતના વન વિભાગના મોડેલ આધારીત વિકસાવવામાં આવશે. જરૂર પડ્યે મહારાષ્ટ્ર સરકારના વન વિભાગના અધિકારીઓ ગુજરાતના અભ્યારણ્યોની મુલાકાત લઇ તેની તર્જ પર વન વિસ્તારમાં વિકાસ કામો કરાશે. જેસોર રીંછ અભ્યારણ્ય ખાતે 2 હેક્ટર જમીનમાં તાર ફેન્સીંગ કરી ચિત્તલ હરણનું બ્રિડીંગ સેન્ટર ગયા સાલથી શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં એક વર્ષ પહેલાં સાસણ ગીરના સક્કરબાગમાંથી 5 હરણ લાવી બ્રિડીંગ સેન્ટર શરૂ કરાયું હતું. આ હરણોએ અન્ય બચ્ચાઓને જન્મ આપતાં અત્યારે બચ્ચાઓ સાથે કુલ-9 હરણો વિહાર કરી રહ્યા છે.
જેસોર રીંછ અભ્યારણ્યના ફોરેસ્ટરના જણાવ્યા અનુસાર હરણોને ખોરાકમાં ઋતુ પ્રમાણે રજકો, રજકાબાજરી, મકાઇ, ખોળ વગેરે અપાય છે. આ ઉપરાંત તેમનામાં કોઇ રોગ ન આવે તે માટે વેટર્નરી ડોકટરોની સલાહ પ્રમાણે પાણીમાં દવા પણ આપવામાં આવે છે. તેમને પીવા માટે આપવામાં આવતું પાણી રોજ નવું આપવામાં આવે છે. ચિત્તલ બ્રિડીંગ સેન્ટર બનાસકાંઠા જિલ્લામાં પ્રથમવાર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વન વિભાગને સફળતા મળી છે.
તેમણે કહ્યું કે, આ સેન્ચુરીમાં ત્રણ મહિના પહેલાં જંગલી કુકડાઓ માટે પણ સંવર્ધન સેન્ટર શરૂ કરાયું છે. તેમાં પણ સારી સફળતા મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. ત્યારે જેસોર રીંછ અભ્યારણ્યની મુલાકાત દરમ્યાન હરણ સંવર્ધન કેન્દ્ર અને જંગલી કુકડાઓના સંવર્ધન કેન્દ્રની મુલાકાત લઇ વન વિભાગના કાર્યની સરાહના કરી હતી.