બનાસકાંઠાઃ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશમાં છેલ્લા 2.5 મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું હતું અને તેના કારણે તમામ ધંધા-રોજગાર ઠપ્પ થઈ જતા લક્ઝરી બસો પણ ના પૈડા થંભી ગયા હતા. જેના કારણે બસના માલિકોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે. ત્યારે હવે લોકડાઉન ખુલતાની સાથે જ સરકારે યુઝડ અને નોનયુઝડ લકઝરી બસનો ટેક્સ ભરવા માટે તેના માલિકોને નોટીસ આપી છે, બે મહિનાથી ધંધા બંધ હોવાના કારણે ટ્રાવેલ્સના માલિકોને મોટું નુકસાન વેઠવું પડ્યુ છે, તેવામાં સરકારના નિર્ણયથી લકઝરી બસોના માલિકો રોષે ભરાયા છે.
સોમવારથી તમામ લકઝરી બસો બંધ કરી બસના માલિકોએ સરકારના નિર્ણયનો વિરોધ દર્શાવ્યો છે. એટલું જ નહી પરંતુ જ્યાં સુધી સરકાર આ ટેક્સ ભરવાનો નિર્ણય પાછો નહીં ખેંચે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
ટુ બાય ટૂ લકઝરી બસનો મહિનાનો ટેક્સ 21 હજાર અને થ્રિ બાય ટુ લકઝરી બસનો ટેક્સ 35 હજાર થાય છે. એ મુજબ બનાસકાંઠામાં 160 લકઝરીનો બે મહિનાનો ટેક્સ 80 લાખ જ્યારે ગુજરાતની 1500 લકઝરી બસોનો ટેક્સ અંદાજે 8 કરોડ રૂપિયા જેટલો થાય છે, ત્યારે હવે સરકાર આ નુકસાનીના સમયમાં ટેક્સ માફીની જગ્યાએ એડવાન્સ ભરવાનો હુકમ રદ કરે તેવી માંગ અખિલ ગુજરાત પ્રવાસી વાહન મંડળ કરી રહ્યું છે.
બે મહિનાથી લોકડાઉનના કારણે લકઝરી માલિકોની હાલત પણ કફોડી બની છે, તેવાના એડવાન્સ ટેક્સ ભરવાના નિર્ણયથી રોષે ભરાયેલા લકઝરી માલિકો અને સરકાર વચ્ચે જલ્દી સમાધાન થાય તેમ અખિલ ગુજરાત પ્રવાસી વાહન મંડળના સભ્યો ઇચ્છી રહ્યા છે.