બનાસકાંઠા: જિલ્લામાં બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. મુશળધાર વરસાદના પગલે અનેક વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા છે. સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, અનેક ખેતરો બેટમાં ફેરવાઇ ગયા છે, તો ગામમાં પણ તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા ઘરોમાં પાણી ભરાઇ જતા લોકોના જાન-માલને ભારે નુકસાન થયું છે.
ડીસા તાલુકાના કંસારી ગામના ખેડૂતોની પણ આ જ પરિસ્થિતિ છે, અહીંના ખેડૂતોએ પોતાના ખેતરમાં આવેલ મગફળી, બાજરી, તલ સહિતના પાકો નાશ થયા છે. પાકના નુકશાને કારણે આ વિસ્તારના ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની છે કે, અહીંના મોટા ભાગના ખેતરો પાણીના વહેણમાં આવેલા છે. જેના કારણે દર વર્ષે અહીંના ખેતરોની આ જ હાલત થાય છે. આ વખતે પણ ડીસા તાલુકામાં સામાન્ય વરસાદ ત્રણથી ચાર ઇંચ જેટલો થયો છે, પરંતુ આટલા સામાન્ય વરસાદમાં પણ ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
કંસારી ગામના મોટાભાગના ખેતરોમાં 8થી 10 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે. લોકોએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ હોડીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના કેટલાક ખેડૂતોએ તો જાતે જ દેશી હોડી બનાવી દીધી છે. જેના કારણે ભારે વરસાદ થાય તો તે હોડીનો ઉપયોગ કરી પોતાના ખેતરોમાં કે ગામમાં અવર-જવર કરી શકાય છે.
દર વર્ષે વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને ફુવારા તેમજ ખેતીના ઓજારો તણાઇ જાય છે, ત્યારે તણાઈ ગયેલી વસ્તુઓને પાછી લાવવા માટે અને અવરજવર માટે અહીંના ખેડૂતો દેશી હોડીનો ઉપયોગ કરી રહ્યાં છે.