બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં 100 ટકાથી ઉપર વરસાદ થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા એક મહિનાથી વરસાદ પડી રહ્યો છે. તેમજ છેલ્લા બે દિવસથી ભાભર, કાંકરેજ, વડગામ, દિયોદર સહિતના વિસ્તારોમાં 5 થી 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. જેથી ખેતીના પાકને અવિરત પાણીના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ મગફળી, કપાસ અને બાજરી જેવા પાકોનું મોટા પાયે વાવેતર કર્યું હતું. ખેડૂતોએ એક હેક્ટર જમીનમાં 10 થી 12 હજારનો ખર્ચ કરી ત્રણ મહિના સુધી રાત દિવસ મહેનત કરી મગફળીની ખેતી કરી હતી, પરંતુ સતત પડી રહેલા વરસાદના કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. જ્યારે કપાસના છોડ પર પણ સતત વરસાદી પાણી પડવાના કારણે તૈયાર થયેલો કપાસ કાળુ પડી જતા 50% કપાસની ખેતીને પણ નુકસાન થયું છે.
વર્ષ 2017માં ભારે વિનાશક પૂરના કારણે ખેડૂતોના કરોડો રૂપિયાના જાનમાલને નુકસાન થયું હતું, ત્યારબાદ 2018માં દુષ્કાળ પડવાના કારણે પણ ખેડૂતોને કોઈ જ પાક ન ઉગતા મોટું નુકસાન થયું હતું. ત્યારે આ વર્ષે શરૂઆતથી જ વરસાદ સારો હોવાના કારણે ખેડૂતોને સારા ઉત્પાદનની આશા બંધાઈ હતી. જેથી આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કુલ 1.20 લાખ હેક્ટરમાં મગફળી અને 43 હજાર હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું હતું, પરંતુ અવિરત વરસાદના કારણે અને વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જવાથી મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. ત્યારે હવે સતત છેલ્લા ત્રણ વર્ષથી નુકસાન વેઠી રહેલા ખેડૂતોને સરકાર સહાય કરે તેવી માગ ઉઠી છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ 60 ગ્રામસેવક દ્વારા નુકસાની અંગે સર્વે શરુ કરાવ્યો છે, ત્યારે કેટલું નુકસાન થયું છે અને સરકાર ખેડૂતોને કેટલી મદદ કરશે તે તો સર્વે બાદ જ ખ્યાલ આવશે.