બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 104 થઈ ગઈ છે. રોજે રોજ નવા સંક્રમિત દર્દીઓ સામે આવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખવુ, અને માસ્ક ફરજીયાત પહેરવાની સૂચના અપાઈ છે. બને ત્યાં સુધી ઘરની બહાર લોકોએ ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
પરંતુ, ડીસામાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની મુખ્ય તાજા આગળ રોજ હજારો ગ્રાહકોની લાઈનો લાગે છે. સવારથી જ ગ્રાહકોના ટોળેટોળા બેંકમાં કામકાજ અર્થે આવતા હોય છે. પરંતુ અહીં ન તો સોશિયલ ડિસ્ટન્સ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે, નથી ખેડૂતોને તડકામાં ઉભા રહેવા માટે કોઈ સેડની વ્યવસ્થા કરવામાં આવી.
જેના કારણે હજારો ખેડૂતો બેંક આગળ ઊભા રહી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સરકારે વેપાર-ધંધા માટે છૂટ તો આપી છે. પરંતુ તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવુ ફરજીયાત છે. પરંતુ કેટલીક જગ્યાએ સરકારી કર્મચારીઓની બેદરકારીના કારણે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધવાની શક્યતાઓ વધી રહી છે. ડીસામાં બેંકના કર્મચારીઓની બેદરકારીના કારણે બેંક પાસે ગ્રાહકોના ટોળેટોળા એકઠા થઈ રહ્યા છે. અહીં બેંકના કર્મચારીઓ સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે ગ્રાહકોને સલાહ પણ આપી રહ્યા નથી, કે કોઇ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે, મોટાભાગના લોકોએ બેંકમાં તો કામકાજ અર્થે આવવું જ પડતું હોય છે. પરંતુ ડીસાની સ્ટેટ બેન્ક આગળ કોઈ જ પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે કોરોના વાયરસ સંક્રમિત થવાની શક્યતાઓ વધી રહી છે. પરંતુ સાથે સાથે, તડકામાં ત્રણ કલાક સુધી ઉભા રહેતા ગ્રાહકો અન્ય બીમારીનો શિકાર થવાની શક્યતાઓ પણ વધી ગઈ છે. તેવામાં આ બેદરકાર બેંકના કર્મચારીઓ સામે સરકારે કડક કાર્યવાહી કરે તેવી ગ્રાહકોની માગ છે.