બનાસકાંઠાઃ કોરોના વાઈરસના કારણે લોકડાઉનમાં ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા છે. જેમાં ખાસ કરીને અર્થતંત્રની જીવાદોરી ગણાતા કૃષિ વ્યવસાયને મરણતોલ ફટકો પડયો છે તેની સાથે સિઝનેબલ ગણાતા પાણીના માટલા બનાવવાના માટી કામ સાથે સંકળાયેલા હજારો પરિવારોને પણ ભૂખે મરવાનો વારો આવે તેમ છે. શિયાળાની કડકડતી ઠંડીમાં કાળી મજુરી કરીને પકવેલા ઠંડા પાણીના માટલાના વેચાણ સમયે જ લોકડાઉનનું ભયાનક ગ્રહણ નડયું છે. કારણ કે, બનાવેલા હજારો માટલા વેચાણના અભાવે પડ્યા રહ્યા છે. જેથી આજના ટેકનોલોજીના યુગમાં પણ બાપ દાદાનો વારસો જાળવી રાખનાર અનેક પરિવારોને ઘર ચલાવવાના ફાંફા પડી રહયા છે. તેમાં પણ લોકડાઉનમાં વધારો આ પરિવારો માટે વજ્રઘાત પુરવાર થઇ રહ્યો છે.
આ બાબતે માટીકામના ઝેરડાના કસબી કારીગર સલ્લુભાઈ સુમરાએ જણાવ્યું હતું કે, પાણીના માટલાનો ધંધો ઉનાળાના ચાર મહિના ચાલે છે પણ માટલા બનાવવાની શરૂઆત શિયાળાથી કરી દેવી પડે છે અને ઉનાળામાં તેના વેચાણ થકી બાર મહિનાનો રોટલો મળી રહે છે. પરંતુ આ વખતે લોકડાઉનના કારણે વેચાણ ન થતા 'નેભાંડો' ચોંટ્યો રહ્યો છે તેથી અનેક પરિવારોની હાલત કફોડી બનવા પામી છે.
બનાસકાંઠા સહિત ગુજરાતમાં કોરોનાનો કોપ ઘીમે ધીમે ઓસરતો જાય છે. સરકાર આગામી 20મી એપ્રિલે લોકડાઉનમાં છૂટછાટ જાહેર કરે તેવી આશા બંધાઈ છે, જેના કારણે માટી કામ સાથે સંકળાયેલા હજારો પરિવારોના મુરઝાયેલા ચહેરા ચમકી ઉઠ્યા છે, ત્યારે સરકાર માટીકામ સાથે સંકળાયેલા નાના વેપારીઓના વાહનોને પણ છૂટછાટ આપી બચાવી લે તેવો જનમત પ્રવર્તે છે.