બનાસકાંઠા : સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અબોલ જીવોની ખુલ્લેઆમ કતલ કરવામાં આવી રહી છે. કોઈપણ જાતનાં લાયસન્સ વગર ગુજરાતના અનેક શહેરોમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા છે. રોજ હજારો પશુઓની કતલ થઈ રહી છે. ત્યારે ડીસા શહેરમાં આજે પણ કોઈપણ જાતના લાયસન્સ વગર માસ મટનની દુકાન ચાલી રહી છે. જેથી નિષ્ફળ તંત્ર સામે રોષ સાથે જીવદયા પ્રેમીઓ દ્વારા જીવ રક્ષા સમિતિની રચના કરવામાં આવી છે.
હાઈકોર્ટનો આદેશ : ડીસાના જાગૃત એડવોકેટે ધમેન્દ્ર ફોફાણી દ્વારા ગેરકાયદેસર કતલખાના અને માંસ મટનની દુકાનો બંધ કરાવવા માટે મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ આ બાબતે કોઈ જ કાર્યવાહી ન થતાં હાઈકોર્ટમાં પીટીશન પણ દાખલ કરી હતી. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર કતલખાના અને માંસ મટનની દુકાનો બંધ કરાવા માટે આદેશ કર્યો છે.
જીવદયાપ્રેમીઓ પહેલ : ડીસાના જાણીતા વકીલ ધમેન્દ્ર ફોફાણીના માર્ગદર્શન હેઠળ જીવ રક્ષા સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં જીવદયાપ્રેમીઓ જોડાયાં હતાં. જલારામ મંદિર સહિત નેમિનાથ સોસાયટી ખાતે બેઠકનું આયોજન કરી સમાજ હિત માટેના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
જીવ રક્ષા સમિતિ : બેઠકમાં ગેરકાયદેસર પશુઓની કતલ અટકાવવા માટે કામગીરી કરવાની ચર્ચા કરવામાં આવી. ઉપરાંત મહિલા અને દીકરીઓની છેડતી કરતા લુખ્ખા તત્વો સામે કાર્યવાહી કરવા લોકો એકસુર થયા હતા. રખડતાં પશુઓની સમસ્યાને દૂર કરવા માટે સૂચનો લેવામાં આવ્યા હતા. સરકાર અને પાલિકા દ્વારા પશુઓ માટે ઘાસચારો સહિત પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે. ઉપરાંત પશુઓને સુરક્ષિત સ્થળે રાખવાની દિશામાં કામગીરી કરાવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જીવ રક્ષા સમિતિ દરેક ઘર ઘર સુધી પહોંચી અને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરશે.
સમગ્ર ગુજરાતમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ કતલખાના અને માંસ મટનની દુકાનો બંધ કરાવવા માટે આદેશ કર્યો છે. તેમ છતાં ડીસા શહેરમાં એક પણ દુકાનને સીલ મારવામાં આવી નથી. ડીસામાં માંસ-મટનની દુકાનો અને કતલખાના ચાલું છે. જીવ રક્ષા સમિતિની બેઠકમાં આ માટે નિર્ણય લેવાયો છે. ડીસાની દરેક સોસાયટી અને મહોલ્લામાં જઇ મીટીંગ કરવામાં આવશે. ગેરકાયદેસર ચાલતી માંસ મટનની દુકાનો અને કતલખાના બંધ કરવા માટે લોકોને જાગૃત કરવામાં આવશે.-- ધર્મેન્દ્ર ફોફાણી (સભ્ય, જીવ રક્ષા સમિતિ)
રહીશોની માંગ : વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સ્થાનિક નગરપાલિકા તંત્ર અને અન્ય વહીવટી તંત્ર કાયદાનો અમલ કરાવતા નથી. તંત્રને કાયદાનો અમલ કરવા ફરજ પાડવી તે બીજો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય હિન્દુ સમાજની એકતા માટે પણ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી.
લુખ્ખા તત્વોની ખેર નથી : સમાજને સંબોધિને ધર્મેન્દ્ર ફોફાણીએ જણાવ્યું હતું કે, કોઈપણ સમાજની બહેન-દીકરી હોય એને ગભરાવવાની જરૂર નથી. કોઈ તમારી છેડતી અથવા પરેશાન કરે તો ગૌ રક્ષા સમિતિના ભાઈઓ તમારી સાથે છે. એવા લુખ્ખા તત્વોને અમે ફેસબુકના માધ્યમથી ખુલ્લા પાડીશું જેથી બીજા લોકો પણ આવી હિંમત કરે નહી.