બનાસકાંઠા : તાજેતરમાં જ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. અનેક વિસ્તારોમાં પડેલા સારા વરસાદના કારણે કુદરત સોળે કળાએ ખીલી ઉઠી છે. ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે પર્વતીય વિસ્તારમાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે. મુખ્યત્વે અમીરગઢ તાલુકાના જેસોર જંગલ વચ્ચે મીની કેદારનાથ તરીકે ઓળખાતો પર્વતીય વિસ્તાર આવેલ છે. તાજેતરમાં જ પડેલા ધોધમાર વરસાદના પગલે હાલમાં જેસોર જંગલ લીલી ચાદર ઓઢી સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.
જેસોર અભ્યારણ : અમીરગઢ તાલુકાના ઈકબાલગઢથી માત્ર 8 કિલોમીટર દૂર જેસોર અભ્યારણ આવેલ છે. અહીં પ્રવેશતાની સાથે જ ચારે બાજુ પર્વતો પર આકાશે જાણે સફેદ ચાદર પાથરી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. તો બીજી તરફ અહીં જેસોર અભ્યારણની બાજુમાં આવેલ તળાવ પણ હાલ ઓવરફ્લો થઈ ગયું છે. જેના કારણે અહીં પર્વતોની વચ્ચોવચ આ તળાવને જાણે કુદરતના ખોળે આરામ ફરમાવતું હોય તેવો અહેસાસ થાય છે.
મીની કેદારનાથ : જેસોરના જંગલોમાં કેદારનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે. જે પર્વતની વચ્ચોવચ બિરાજમાન છે. અહીં ચોમાસા દરમિયાન વરસાદ પડતા તમામ પશુ-પક્ષીઓ પણ પોતાના મિજાજમાં ઝાડ પર ખેલતા નજરે પડે છે. આ પર્વતીય વિસ્તારમાં નાના-નાના અનેક ઝરણાંઓ આવેલા છે. આ ઝરણાઓ સામાન્ય દિવસોમાં બંધ હોય છે. પરંતુ ચોમાસાની ઋતુમાં તમામ ઝરણાઓ જીવંત બન્યા છે. પર્વતની વચ્ચેથી પસાર થતાં આ નાના-મોટા તમામ ઝરણાઓ હાલ એક અદભુત નજારો પૂરો પાડે છે.
જેસોર અભ્યારણમાં દીપડા જેવા અનેક વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. અહીં આગળ અનેક પ્રકારની વનસ્પતિઓ આવેલી છે. અહીં અરવલ્લીની ગિરિમાળામાં મિની કેદારનાથ અને જેસોરનું અભ્યારણ છે. અહીં દૂર-દૂરથી લોકો કુદરતી સૌંદર્યની મજા માણવા માટે આવતા હોય છે. અહીં ગુજરાત સહિત રાજસ્થાનમાંથી પણ પર્યટકો આ કુદરતી દ્રશ્યો જોવા માટે આવે છે.-- શક્તિસિંહ પરમાર (RFO)
સ્વર્ગનો અહેસાસ : પર્વતની ચારે બાજુ લીલોતરી જોઈ એવો અહેસાસ થાય છે કે, જાણે સાક્ષાત સ્વર્ગનું અહેસાસ માણ્યો હોય. કુદરતનો આ નજારો જોવા માટે અહીં રાજસ્થાન સહિત ગુજરાતમાંથી અનેક લોકો આવે છે. અત્યારે પણ અનેક લોકો મીની કેદારનાથ તરીકે ઓળખાતા આ જેસોરના પર્વતની મજા માણવા આવી રહ્યા છે. આ જેસોર અભ્યારણમાં રીંછ, દીપડા તેમજ અન્ય પશુ પક્ષીઓ વસવાટ કરે છે. જેથી રાજસ્થાન સહિત ગુજરાત તેમજ અન્ય રાજ્યમાંથી મોટી સંખ્યામાં પર્યટકો ચોમાસામાં અહીં મુલાકાતે આવે છે.
પર્યટકોની પસંદ : આ બાબતે રાજસ્થાનથી આવેલા પર્યટકે જણાવ્યું હતું કે, હું રાજસ્થાનથી આવ્યો છું. અહીં આવ્યો એટલે ખૂબ આનંદ થયો છે. અહીં જે ઝરણા પડે છે તે ખૂબ જોવાલાયક છે. દરેક વ્યક્તિને ચોમાસાની સિઝનમાં કુદરતના ખોળે આવો નજારો જોવા માટે આવવું જોઈએ.