બનાસકાંઠા: જિલ્લામાં આવનાર ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે ફરી આજે એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ડીસા તાલુકાના વરનોડા ગામમાં તસ્કરો એક પછી એક દુકાનને ટાર્ગેટ બનાવી રહ્યા છે. બે દિવસ અગાઉ જ એક કરિયાણાની દુકાનમાંથી 65 હજાર રૂપિયાના માલમતાની ચોરી થયા બાદ ગત રાત્રે ફરી એક બીજી કારીયાણાની દુકાનનુ તાળું તોડી અંદાજે 40 હજાર રૂપિયાના માલમાતાની ચોરી થઈ છે. ગ્રામજનોએ આગથળા પોલીસ મથકે જાણ કરી તસ્કરોને તાત્કાલિક ઝડપી લઈને ગામને ચોરોના આતંકમાંથી મુક્ત કરાવવાની માંગ કરી છે.
પેટ્રોલિંગ વધારવાની માગ: આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં વરલોડા ગામના સરપંચે જણાવ્યું હતું કે મારા ગામમાં છેલ્લા 20 દિવસમાં ચાર વાર ચોરીઓ થઈ છે. અમે પોલીસને જાણ કરી છે પરંતુ પોલીસ આવીને જતી રહી છે. અમારી માંગ છે કે સત્વરે પોલીસ આ ચોરી કરનાર આરોપીઓને ઝડપી પાડે તેમજ અમારા ગામમાં આગથળા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે. ચોરી કરનાર આરોપી અને સખતમાં સખત સજા આપે તેવી અમારી માંગ છે.
'ગામમાં વારંવાર ચોરીઓની ઘટના ચાલુ છે અને એક જ મહિનામાં ચાર જગ્યાએ ચોરી થઈ છે. જે બાબતે આગથળા પોલીસ મથકે જાણ કરી તો પોલીસ આવીને જવાબ લખીને જતી રહે છે પરંતુ આ મામલે કોઈ જ નક્કર કાર્યવાહી થઈ નથી. પોલીસ અહીં નાઈટ પેટ્રોલિંગ વધારે અને જલ્દીમાં જલ્દી ચોરોને પકડે' -નરસિંહભાઈ પ્રજાપતિ, ચોરીનો ભોગ બનનાર દુકાનદાર
પોલીસની કાર્યવાહી: આ બાબતે આગથળા પોલીસ સાથે ETV Bharat સાથે વાતચીત કરતા આગથળા પોલીસે જણાવ્યું હતું કે વરનોડા ગામમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. વરનોડા ગામના સરપંચ સહિત અન્ય લોકોએ ભેગા થઈને અમને જાણ કરી છે અને અમે પણ તેમની અરજીના આધારે તપાસ હાથ ધરી છે. અમે આ ચોરી કરનાર આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી પાડશું.