બનાસકાંઠાઃ જિલ્લાની દાંતા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો ફરી એકવાર અકસ્માતે વિજય થયો છે અને કોંગ્રેસ પુનઃ સત્તા પર આવી છે. દાંતા તાલુકા પંચાયતમાં ગરૂવારના રોજ અઢી વર્ષ માટેની બીજી ટર્મના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તાલુકા પંચાયતના કુલ 26 સભ્યોમાંથી 17 સભ્યો કોંગ્રેસના અને 9 સભ્યો ભાજપના હતા. કોંગ્રેસના 4 સભ્યો બળવો કરી ભાજપમાં જતા ભાજપનું સંખ્યા બળ 13 થયું હતું. યોજાયેલા મતદાનમાં બન્ને પાર્ટીને 13-13 મત મળતા ટાઈ પડી હતી.
કોંગ્રેસના 17 સભ્યો જોતા કોંગ્રેસની સ્પષ્ટ જીત નિશ્ચિત હતી, પરંતુ 4 સભ્યો બળવો કરી ભાજપમાં જોડાયા હતા. જેથી કોંગ્રેસની પરિસ્થિતિ વણસી હતી, પરંતુ મતદાનમાં બને પાર્ટીને 13-13 મત મળતા થયેલી ટાઈ દરમિયાન કોંગ્રેસનો ફરી એક વાર અકસ્માતે વિજય થયો હતો.
પંચાયતના પ્રમુખ તરીકે જ્યોત્શના બેન તરાલને જાહેર કરાયા હતા. જ્યારે ઉપપ્રમુખ માટે પણ ટાઈ પડતા ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. જેમાં ભાજપના નેહલબેન ઠાકોર વિજય બન્યા હતા. આમ, કોંગ્રેસે હારેલી બાજી જીતમાં પરિણમી હતી. જોકે, આ પ્રસંગે દાંતા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ ઉપસ્થિત રહ્યાં હતા અને બળવો કરી ગયેલા 4 ઉમેદવારો સામે પક્ષણતર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જોકે, આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મીડિયા કર્મીઓને બહાર રાખી બંધ બારણે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.