બનાસકાંઠામાં ડીસા તાલુકાના જાબડીયા ગામના સરપંચ પદે જબ્બર સિંહ પરમાર છે. જેમને વર્ષ 2018માં ત્રીજુ બાળક આવતા જ ગામના જાગૃત નાગરિક રામજીભાઈ સોલંકીને સરપંચ પદ છોડી દેવા જણાવ્યું હતું. પરંતુ વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેઓએ સરપંચ પદ ન છોડતા આખરે રામજીભાઈ સોલંકી ડીસા તાલુકા પંચાયતમાં ફરિયાદ કરી હતી.
જો કે, ત્યાંથી સરપંચને ક્લીનચીટ મળ્યા બાદ અરજદારે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી. જો કે, ત્યાંથી પણ સરપંચને ક્લીન ચીટ મળતા આખરે અરજદારે હવે હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. સરપંચ જબ્બરસિંહ પરમારે સરપંચ પદે ચાલુ રાખવા માટે પણ અવનવા કીમિયા અપનાવ્યા હતા. તેમજ અસલ રેકર્ડ સાથે ચેડા કર્યા હતા. જેમાં સરપંચે તેમનું બીજું સંતાન તેમનો ભાઇ હોવાનું દર્શાવ્યું હતું.
હકીકતમાં તેમના પિતાનું મૃત્યુ 1990માં થયું હતું. તો 30 વર્ષ અવસાન પામેલા વ્યક્તિને 6 વર્ષનું બાળક કઈ રીતના થયું તે એક મોટો સવાલ છે. જો કે, તલાટીઓ પાસેથી ખોટા રેકોર્ડ ઉભા કરી હજુ પણ આ સરપંચ પદ છોડતા નથી. ત્યારે અરજદાર રામજીભાઈએ તમામ અસલ પુરાવાઓ એકઠા કરી હાઈકોર્ટમાં રજૂઆત કરી છે.
આ મામલે ગામના સરપંચ જબ્બરસિંહ પરમારને ટેલિફોનિક પૂછતા તેઓએ કેમેરા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. મહત્વની વાત એ છે કે, છેલ્લા બે વર્ષથી અરજદાર ન્યાય મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યો છે. હવે હાઈકોર્ટમાં ફરિયાદ કરી છે. ત્યારે સરપંચ પદની અવધી પણ 5 વર્ષે પુરી થઈ જાય છે. ત્યારે હાઈકોર્ટમાં લડતા લડતા સરપંચની અવધી પતિ ગયા બાદ પણ અરજદારને ન્યાય મળે છે કે, કેમ તે જોવું રહ્યું.