બનાસકાંઠા : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ રોજબરોજ કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠલવાય પણ છે. તે ટેસથી પીવાય પણ છે. જે મામલે અગાઉ પણ અનેકવાર સરકાર અને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠયા છે. તેમ છતાં પણ દારૂની બદી બંધ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. તે દરમિયાન લોકડાઉન વચ્ચે ધાનેરા શહેરની અંદર બે શખ્સોએ દારૂ પીને ધમાલ મચાવી હતી. રીક્ષામાં આવેલા બે શખ્સોએ ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં રોડ વચ્ચે નાટક શરૂ કર્યું હતું. લગભગ બે કલાક સુધી સતત આ દારૂડિયાને નાટક ચાલુ રાખ્યું હતું. આ શખ્સો એ એટલો દારૂ પીધો હતો કે, તેઓને કપડાનું પણ ભાન રહ્યું ના હતું. વળી આ નાટક જોવા માટે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ધાનેરા પોલીસ પણ બનાવ સ્થળે આવી પહોંચી હતી અને બંને દારૂડિયાઓને પોલીસ સ્ટેશન લઇ જવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ દારૂના નશામાં ચકચૂર બનેલા બંને શખ્સો પોલીસની પણ કઈ વાત માનવ તૈયાર નહોતા. આખરે પોલીસે ટીંગાટોળી કરી બંનેને રિક્ષામાં નાખીને પોલીસ મથકે લઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, એક તરફ લોકડાઉનની સ્થિતિ છે. જ્યાં લોકોને ઘરની બહાર કામ સિવાય ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ છે. બીજી તરફ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ આવા લોકોને ક્યાંથી દારૂ મળી જાય છે. તે પણ પોલીસની કામગીરી સામે એક સવાલ છે.
જેમાં પોલીસ સામે જ્યારે જ્યારે ગંભીર આક્ષેપો થયા છે. ત્યારે ત્યારે પોલીસ સામાન્ય કાર્યવાહી કરી સંતોષ માની લે છે, અને બાદમાં પરિસ્થિતિ જૈસે થે તેવી બની જાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં દારૂડિયાઓ અને દારૂ વેચતા બુટલેગરોના ત્રાસથી લોકોને ક્યારેય મુક્તિ મળશે તે જોવું રહ્યું.