- ડીસા- થરાદ હાઇવે પર રોડનું કામ કાજ શરૂ થતા અકસ્માતોની સંખ્યામાં વધારો
- અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત
- બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો
બનાસકાંઠા: જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યાર સુધી અકસ્માતોનું મુખ્ય કારણ વાહન ચાલકોનું ગફલતભર્યુ ડ્રાઈવિંગ છે તેમ સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. જેમાં છેલ્લા 4 મહિનાથી માર્ગ અકસ્માતોના બનાવમાં બાઈકસવારો સૌથી વધુ અકસ્માતના ભોગ બન્યા છે. વારંવાર બનતા નાના-મોટા અકસ્માતોમાં અનેક બાઇકસવારોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે, ત્યારે સતત વધી રહેલા માર્ગ અકસ્માતોના બનાવોને લઇ હાલમાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.
સતત માર્ગ અકસ્માતના બનાવ બનતા લોકોમાં ભય
ડીસા- થરાદ હાઇવે પર આવેલા હરીપુરાના પાટીયા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક 25 વર્ષીય યુવક રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે પુરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહનચાલકે રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે રોડ પર પટકાતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અજાણ્યા રાહદારીનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે આજુબાજુના લોકો અને વાહનચાલકોએ રાહત કામગીરી શરૂ કરી હતી. અકસ્માતને પગલે થરાદ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને યુવકના મૃતદેહને પીએમ અર્થે થરાદની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યારે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી મૃતકના સગાની શોધખોળ હાથ ધરી છે.
અત્યાર સુધીમાં અનેક નાના- મોટા અકસ્માતો સર્જાયા
હાલમાં ડીસા- થરાદ હાઇવે પર નેશનલ હાઈવેનું કામકાજ ચાલુ થઈ રહ્યુ છે. જેના કારણે આ રોડ પર ખોદકામ ચાલી રહ્યુ છે. જેના કારણે વારંવાર નાના- મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારથી ડીસા અને થરાદ રોડ વચ્ચે નવા રોડનું કામકાજ શરૂ કરવામાં આવી છે, ત્યારથી અત્યાર સુધી આ રોડ પર અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે અને આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે, ત્યારે હાલ તો લોકોની એક જ માગ છે કે, તાત્કાલિક ધોરણે આ રોડનું કામ કાજ પૂર્ણ કરવામાં આવે જેથી આવનારા સમયમાં કોઈ અન્ય અકસ્માતમાં મોતનો ભોગ ન બનવું પડે.