આજે ચૈત્રી પુનમ છે અને યાત્રાધામ અંબાજીમાં ભરાતા મોટા મેળામાં ભાદરવી પુનમના મેળા બાદ ચૈત્રી પુનમનો પણ તેટલો જ મહત્વ છે. આજે આ ચૈત્રીપુનમને લઈ માં અંબાના ધામમાં દર્શને લાખો પદયાત્રીઓ અંબાજીમાં ઉમટી પડ્યાં હતા. અંબાજીના માર્ગો પણ જયઅંબેના નાદ થી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ખાસ કરીને ભાદરવી પુનમે જે રીતે ધજાઓનો પ્રમાણ વધુ જોવા મળતું હોય છે તેમ જ આ પુનમે શ્રદ્ધાળુઓ પોતાની બાંધા પુરી કરવા હાથમાં ધજાને માથે માંડવી તથા ગરબી લઇ માં અંબાના દરબારમાં આવતા હોય છે.
આમ તો પદયાત્રીઓ માતાજીના રથ સાથે નેજા એટલે કે ધજા લઇને આવે છે. પણ આ ચૈત્રી પુનમે શ્રદ્ધાળુઓ ખાસ કરીને માથે માંડવી, ગરબી લઇને પોતાની રાખેલી બાંધા આંખડી પુર્ણ કરવા અંબાજી પગપાળા આવતા હોય છે. જેને ફુલોના ગરબા પણ કહેવામાં આવે છે. આ ચૈત્રી પુનમને હવે લોકો બાધાની પુનમ તરીકે પણ ઓળખવા લાગ્યા છે. જે લોકો માતાજીના મંદિરે ટેક રાખી પરત ફરતાં હોય છે. જ્યારે તેમની ટેક પુર્ણ થતાં આ ચૈત્રી પુનમે માથે ગરબો લઇ અંબાજી મંદિરે દર્શનાર્થે પહોંચતાં હોય છે.