અમીરગઢના સોનવાડી જંગલમાંથી 2 માનવ કંકાલ મળી આવ્યા
15 દિવસ અગાઉ પ્રેમી યુવક અને યુવતી ગામમાંથી ગાયબ થયા હતા
માનવ કંકાલને અમદાવાદ ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા
બનાસકાંઠા: એક તરફ કોરોના વાઇરસની મહામારીએ બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકોના જીવ લીધા છે. ત્યારે, બીજી તરફ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં હત્યા અને આત્મહત્યા જેવા બનાવો વારંવાર સામે આવી રહ્યા છે. પરંતુ, જે બાદ કોરોના વાઇરસની મહામારી શરૂ થતાની સાથે જ આવી ઘટનાઓમાં ઘટાડો થયો હતો. પરંતુ, આજે શનિવારે અમીરગઢના સોનવાડી પાસેના જંગલમાંથી બપોરના સમયે એક યુવક અને યુવતીના કંકાલ મળી આવ્યા હતો. અહીથી પસાર થતા લોકોએ માનવ કંકાલ જોતા જ તાત્કાલિક અમીરગઢ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
આ પણ વાંચો: વાવમાં પિયર જવાની જીદ કરતી પત્નીનું ગળુ દબાવી પતિએ હત્યા કરી
15 દિવસ અગાઉ યુવક અને યુવતી ગામમાંથી ગાયબ હતા
અમીરગઢ પોલીસની પ્રાથમિક તપાસ કરતા 15 દિવસ અગાઉ બાજુના વિસ્તારમાં રહેતા પ્રેમી યુગલ ઘરેથી નાસી ગયા હતા. જે અંગેની જાણવા જોગ ફરિયાદ પણ અમીરગઢ પોલીસ મથકે નોંધાઈ હતી. આ બાબતે, પોલીસને શંકા જતા ગુમ થયેલા યુવક-યુવતીના પરિવારજનોને બોલાવીને તપાસ કરી હતી. તેમજ માનવ કંકાલ પાસેથી મળી આવેલા પર્સ અને કપડા સહિતની ચીજવસ્તુઓ ચકાસતા ગુમ થયેલા યુવક-યુવતી જ હોવાનું જ જણાયુ હતું.
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાંથી વધુ એક રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ ઝડપાયું
માનવ કંકાલને અમદાવાદ ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
અમીરગઢ પોલીસે આ યુવક-યુવતીના માનવ કંકાલને અમદાવાદ ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. તેમજ આ અંગે હાલ, મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ જંગલ વિસ્તાર હોવાથી અહીં જરક, દીપડો અને રીંછ જેવા જંગલી પ્રાણીઓએ આ બન્નેને ફાડી ખાધા હોવાનું પોલીસનો પ્રાથમિક અનુમાન છે. જે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.