- સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી
- અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની પરિસ્થિતિ
- બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ ખાબક્યો
બનાસકાંઠા: જિલ્લામાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની પરિસ્થિતિ સર્જાતા બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પણ સરહદી પંથક વાવ, થરાદ ,સુઈગામ તેમજ અંબાજી અમે દાંતા વિસ્તારમાં પણ છેલ્લા બે દિવસથી છૂટા છવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જેમાં દાંતા પંથકમાં બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. જેથી વરસાદથી નદીઓમાં પાણી આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
બનાસકાંઠા તેમજ ઉપરવાસમાં લાંબા વિરામ બાદ હાલ સારો એવો વરસાદ પડી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સતત ભારે વરસાદના પગલે પાલનપુર પાસે આવેલી ઉમરદશી નદીમાં પણ પાણી આવ્યું છે. વરસાદના પગલે સુકીભઠ દેખાતી ઉમરદશી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે તમામ નદીઓ વર્ષો બાદ વહેતી થઈ હતી. જેના કારણે હાલ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા ત્રણેય ડેમોમાં સારી એવી પાણી આવક થઈ રહી છે.
જિલ્લામાં પડી રહેલા વરસાદથી પાણીની મોટી સમસ્યા ટળી
બનાસકાંઠા જિલ્લાની તમામ નદીઓ વહેતી થતા પાણીના તળ પણ ઉપર આવ્યા છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે, બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલા વરસાદથી પાણીની મોટી સમસ્યા ટળી છે.બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે પડેલા સાર્વત્રિક વરસાદના કારણે ક્યાંક ખેડૂતોને ફાયદો થયો છે તો ક્યાંક વધુ પડતા વરસાદના કારણે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
ભારે વરસાદથી ખેડૂતોની હાલત કફોડી
બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને ચોમાસું પાક લેવાના સમયે જ ભારે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ નુકસાન પણ થયું છે. ખાસ કરીને વાવ, થરાદ, સુઈગામ પંથકમાં ખેડૂતોના તૈયાર થયેલા પાક પર વરસાદ ખાબકતા મગ, તલ અને મગફળી સહિતના પાકમાં નુકસાન થતાં ખેડૂતો હાલત કફોડી બની છે.