બનાસકાંઠા: જિલ્લામાં પણ નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે જોરદાર પવન અને આંધી સાથે કમોસમી માવઠું થયું હતું. ખાસ કરીને થરાદ વાવ અને ધાનેરા પંથકમાં જોરદાર આંઘીના કારણે કેટલાય લોકોના ઘરના છાપરાં ઊડી જતાં નુકસાન થયું છે.
નિસર્ગ વાવાઝોડાની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી હતી. જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં વારંવાર પલટો આવ્યો છે. બે દિવસ અગાઉ જ મોડી સાંજે કમોસમી માવઠું થયું હતું, ત્યાર બાદ શુક્રવારે ફરી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટા સાથે જોરદાર પવન અને આંધીની સાથે વરસાદી ઝાપટું આવ્યું હતું.
ખાસ કરીને થરાદ વાવ અને ધાનેરા શહેરમાં જોરદાર આંધી અને વાવાઝોડાના કારણે કેટલાક ઘરોના પતરા ઉડી જતાં મોટું નુકસાન થયું હતું. તો નીંચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ જતા લોકોને અવાર જવર ભારે તકલીફ પડી હતી. છેલ્લા ત્રણ ચાર દિવસ સતત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે ફરી એકવાર કમોસમી વરસાદ થતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે. જો કે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી.