ડીસાઃ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ વાવેલા પાકમાં પણ પાણી ભરાઇ જતાં ખેડૂતોના ખેતર પણ વરસાદી પાણીના પ્રવાહમાં જોવા મળી રહ્યાં છે. હવામાંન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામા આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.બનાસકાંઠાના દાંતામાં બે દિવસમાં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયા બાદ બીજા દિવસે પણ દાંતીવાડા, ડીસા, પાલનપુરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હાલ જે દ્રશ્યો જોઈ રહ્યાં છો તે બનાસકાંઠાના ડીસાના છે.
ડીસામાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે માર્ગો પર પાણી ભરાયાં છે. ડીસા બસ સ્ટેશન આગળ જ પાણી ભરાયું છે જેના કારણે ખાડાઓ પડી ગયાં છે. તો ડીસા, દિયોદર, ભાભર, કાંકરેજમાં સતત સવારથી બપોર સુધી એક ઇંચ ઉપર વરસાદ નોંધાયો છે. તો ભાભરમાં બપોર સુધી બે ઇંચ વરસાદ નોંધાયો છે. આમ સમગ્ર જિલ્લામાં આજે બીજા દિવસે પણ મેઘો જામ્યો છે. જોકે આ વરસાદ ૉથી ખેડૂતોમાં ખુશીની હેલી જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે બનાસકાંઠા જિલ્લામાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ, મુક્તેશ્વર ડેમ અને સીપુ ડેમમાં પણ ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પાણીની સારી આવક થઈ રહી છે. જેના કારણે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે.