બનાસકાંઠાઃ બનાસકાંઠામાં ગુટકા, બીડી અને પાન-મસાલાની દુકાનો ખુલતા જ વ્યસનીઓની કતાર લાગી હતી. ગુટકા, બીડીની તલપ છીપાવવા ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કર્યા વગર દુકાનો આગળ ટોળે વળ્યા હતા, ત્યારે આવી તકનો લાભ લઇ વેપારીઓ ડબલ ભાવ લઈ ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.
કોરોના વાઇરસના કારણે થયેલા લોકડાઉનમાં વ્યસનીઓને ખાસી તકલીફ પડી હતી, તેમાં પણ ખાસ કરીને પાન-મસાલા, બીડી અને ગુટકા ખાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, ત્યારે બે મહિના બાદ શુક્રવારે જિલ્લામાં મસાલા બીડીની છૂટ મળતા દુકાનો પર લોકોની કતાર લાગી હતી. જિલ્લાના ડીસામાં આવેલી દુકાનો પર તો લોકોએ સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પાલન કર્યા વગર પાન-મસાલા બીડી લેવા માટે ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે લોકોની આવી તલપનો લાભ અત્યારે વેપારીઓ ઉઠાવી રહ્યા છે અને ગુટકા, બીડીના ત્રણ ગણા ભાવ લઈ ગ્રહકોને લૂંટી રહ્યા છે. જે મામલે શુક્રવારે જાગૃત લોકોએ ભાભર ગ્રાહક સુરક્ષા સેવા મંડળને અને મામલતદાર કચેરીમાં લેખિત ફરિયાદ કરી હતી. ત્યારે ગ્રાહકો સાથે છેતરપીંડી આચરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.