બનાસકાંઠાઃ કોરોના મહામારીને નાથવા માટે દેશમાં લાદવામાં આવેલા 2 મહિના કરતાં વધારાના લોકાડઉન બાદ સરકારે અનલોક-1માં છૂટછાટ આપી છે. જે અંતર્ગત 8 જૂનના રોજ રાજ્યના ધાર્મિક સ્થળો ખોલવા માટે પરવાનગી આપી દેવામાં આવી હતી, પરંતુ તીર્થસ્થળ અંબાજીનું મંદિર હજૂ ખોલવામાં આવ્યું નથી. જેને આજે 12 જૂનથી ભક્તો માટે ખોલવામાં આવ્યું છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માઁ અંબાના દર્શનની રાહ જોઈને કરોડો ભક્તો બેઠા છે. જેથી આ તમામ ભક્તોને શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરાવવા માટે આજથી માતાનું મંદિર ખોલવામાં આવ્યું છે.
માઁ અંબાના મંદિરે યાત્રિકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં, તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. એટલું જ નહીં અંબાજી આવતા ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં સરળતાથી માતાજીના દર્શન કરી શકે, તેવી વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે.
માતાના દર્શન કરવા આવતા ભક્તો ઓનલાઈન તથા ઓફ લાઈન દર્શન માટે પાસ મેળવી શકશે. દર્શન કરવા આવનારા તમામ ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શન માટેનું ટોકન લેવું પડશે. આ ઉપરાંત તમામ ભક્તોએ ફરજિયાતપણે માસ્ક પહેરીને મંદિરમાં પ્રવેશ લેવાનો રહેશે.
દર્શન કરવા આવેલા ભક્તોએ પોતાના હાથ પણ સેનિટાઈઝ કરવા પડશે. આ ઉપરાંત તમામ ભક્તોને ઓટોમેટીક થર્મલ સ્ક્રીનિંગ મશીનમાંથી પસાર થવું પડશે. આ સાથે જ ભક્તોએ ખરીદેલો પ્રસાદ-પૂજાપો મંદિરની બહાર જ જમા કરાવાવનો રહેશે.
અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન તથા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ અંબાજી મંદિરમાં ઉભી કરાયેલી વ્યવસ્થાની મુલાકાત કરીને સમીક્ષા કરી હતી. આ પ્રસંગે કલેક્ટર સંદિપ સાંગલેએ જણાવ્યું હતું કે, અંબાજી મંદિરમાં કોરોનાના સંક્રમણને અટકાવવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. હાલના તબક્કે મંદિરમાં મોહનથાળના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે નહીં.
આ સાથે જ તેમણે અંબાજી મંદિરે 65 વર્ષથી વધુના સિટીઝનો, સગર્ભા મહિલા તેમજ 10 વર્ષથી નાના બાળકોને દર્શન કરવા નહીં આવવાની અપીલ પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અંબાજી મંદિર સંચાલિત ભોજનાલયને અત્યારે શરૂ કરવામાં આવશે નહીં.