બનાસકાંઠાઃ કોરોના વાઇરસના કારણે સરકારે જનતા કરફ્યૂ બાદ અચાનક આપેલા લોકડાઉનના કારણે મોટા શહેરોથી માદરે વતન જનારા હજારો લોકો રઝળી પડ્યા હતા. સોમવારે બપોર બાદ લોકડાઉનની પરિસ્થિતિથી સુરત, નવસારી, અમદાવાદ, વડોદરા જેવા મોટા શહેરોમાંથી ઉત્તર ગુજરાતના ગામડાઓમાં વતન જવા નીકળેલા અનેક પરિવારો રઝળી પડયા હતા. વાહન નહીં મળવાના કારણે પોતાના ગામ સુધી જઈ શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી તેઓની હાલત દયનીય બની છે. નાના બાળકો સહિત મોટેરાઓને પણ ભૂખ્યા-તરસ્યા રખડવાનો વારો આવ્યો હતો.
ડીસા સુધી આવ્યા બાદ થરાદ, વાવ, પાંથાવાડા, ખીંમત, ધાનેરા અને સુરતના પરિવારોએ જણાવ્યું હતું કે, તેઓ 10 કિલોમીટર સુધી ચાલ્યા છે. તેમજ હજૂ પણ તેઓના ગામ સુધી જવા કોઈ વાહનની વ્યવસ્થા નથી. અમારા મોબાઈલ પણ બેટરી લો હોવાના કારણે બંધ થઈ જતા પરિવારજનોને પણ જાણ કરી શકતા નથી. તેમજ બહારથી આવ્યા હોય કોઈ લોકો આશરો પણ આપતા નથી. આવી પરિસ્થિતિમાં તમારે જવું તો ક્યાં જવું? અમને ઘર સુધી પહોંચાડવા સરકારે વ્યવસ્થા કરવી જોઈએ.