બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના રાધા નેસડામાં સરકાર દ્વારા ખાનગી કંપનીને સોલાર પ્લાન્ટ બનાવવા માટે 400 એકર જમીન ફાળવવામાં આવી છે. પરંતુ આ પ્લાન્ટનું કામ શરૂ થાય તે પહેલા જ સ્થાનિક લોકો અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. સરકારી જે જમીન ફાળવી છે તેમાં ગૌચરની પણ 67 હેક્ટર જમીન આપી દીધી છે. જેના કારણે સ્થાનિકોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ સરકાર ગૌચર બચાવવાના પ્રયાસો કરી રહી છે ત્યારે, બીજી તરફ આવી ખાનગી કંપનીઓને ગૌચરની જમીન બારોબાર આપી પશુધનના જીવન સાથે પણ ચેડા કરી રહ્યા છે.
સ્થાનિક લોકોએ અને ધારાસભ્ય ગેનીબેન ઠાકોર આજે સોમવારે આ મામલે વિરોધ દર્શાવી જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું સાથે જ રજૂઆત કરી હતી. ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, જો સરકાર આ મામલે સ્થાનિકોની વાત નહીં સાંભળે અને ગૌચરની આપેલી જમીન પાછી નહિ લે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરી વિધાનસભાનો ઘેરાવ કરવો પડે તો પણ લોકો પીછેહઠ નહી કરે.