બનાસકાંઠા: છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો હતો. કોંગ્રેસના પીઢ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઈ સી આર પાટીલના હસ્તે ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા. ડીસા ખાતે યોજાયેલ જન સમર્થન જાહેર સભામાં ગોવાભાઈ દેસાઈની સાથે તેમનો માલધારી સમાજ અને કોંગ્રેસના 200 જેટલા હોદ્દેદારો અને આગેવાનોએ કોંગ્રેસથી છેડો ફાડી ભાજપનો ખેસ પહેર્યો હતો.
હું પ્રથમ એવો વ્યક્તિ હોઈશ કે જેણે ભાજપ સાથે કોઈપણ પ્રકારની માંગણી કર્યા વગર ભાજપના વિકાસને જોઈને જોડાઈ રહ્યો છું. મારી એક જ વાત છે કે અમારા વિસ્તારમાં પાણીની ખૂબ જ સમસ્યા છે, ખેડૂતો ખૂબ જ હેરાન થાય છે એટલે હવે જોડાયા પછી હું મારી માંગણી મૂકવાનો છું અને ખેડૂતોનો પાણીના પ્રશ્નનો કાયમી ઉકેલ આવે તેવી રજૂઆત કરવાનો છું. - ગોવાભાઈ દેસાઈ
ગોવાભાઈ દેસાઈનું સ્વાગત કરું છું, ગોવાભાઈએ આવવામાં મોડું કર્યું, વહેલા આવ્યા હોત તો અત્યારે સરકારમાં બેઠા હોત. અત્યારે ભાજપ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કેન્દ્રમાં શાસન 9 વર્ષના શાશનનો હિસાબ આપવા કાર્યક્રમો કરે છે પણ કોંગ્રેસ ક્યારેય કોઈને હિસાબ આપતી નથી. રાજીવ ગાંધી જ કહેતા હતા કે અમે 1 રૂપિયા મોકલીએ તો લોકો સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે બાકીના પૈસા કોંગ્રેસીઓ જ ખાઈ જાય છે. ગુજરાતમાં કોંગ્રેસમાંથી બે ટર્મ થી એક પણ સાંસદ ચૂંટાતો નથી અને હવે તો તમે લોકસભાની ચુંટણી પહેલા તમે 156 નું ટ્રેલર બતાવ્યું છે પણ આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપનો દરેક ઉમેદવાર 5 લાખથી વધુની લીડથી જીતવો જોઈએ. - સી આર પાટીલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ
7 વખત વિધાનસભાની ચૂંટણી લડી: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ગોવાભાઈને ભાજપમાં લાવવા માટે ભારતીય જનતા પાર્ટીના બે દિગ્ગજ નેતાઓએ ખેલ પાડ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. ગોવાભાઈ દેસાઈ 35 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેઓ અત્યાર સુધીમાં 7 વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેમના પુત્ર સંજય રબારીને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં સંજય રબારીનો પરાજય થયો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રહી ચુક્યા છે: 2017ની ચૂંટણીમાં ગોવાભાઈ ડીસા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના ગોવાભાઈ રબારીને ભાજપના શશીકાંત પંડ્યા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આપને જણાવી દઈએ કે, ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. ગોવાભાઈ દેસાઈએ કુચાવાડા ગામના સરપંચથી રાજકારણની શરૂઆત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પણ રહી ચુક્યા છે.