બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. ત્યારે બનાસકાંઠામાં છેલ્લા બે મહિનાથી અંતરિયાળ વિસ્તારોમાં પાણીની સમસ્યાથી લોકો હેરાનગતિનો સામનો કરી રહ્યાં છે. જેને લઈને લોકોએ બનાસાકાંઠા જિલ્લા કલેક્ટરથી મુખ્યપ્રધાન સુધી લેખિત અને મૌખિક એમ બંને પ્રકારે રજૂઆતો કરી હતી. જેના પગલે ગુજરાત સરકારના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા દાંતીવાડા ડેમની મુલાકાતે આવ્યા હતા.
કેબિનેટ પ્રધાને દાંતીવાડા અને સીપુ ડેમની મુલાકાત લઈને પાણીની સ્થિતિ જાણી હતી. આ ડેમમાંથી કેટલી વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે, કેટલા ગામમાં પીવાનું તેમજ સિંચાઈનું પાણી આપવામાં આવે છે, કેનાલ દ્વારા પાણી માટેની શું વ્યવસ્થા છે, આગામી કેટલા સમય સુધી પાણી આપી શકાશે આ તમામ મુદ્દે સિંચાઈ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ અંગે કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં પાણી માટે કોઈ ગંભીર સમસ્યા નથી. સાથે લોકોને પાણીના કારણે હેરાનગતિ ભોગવવી પડે તેવી સ્થિતિ પણ નથી. આ સિવાય કરોડ રૂપિયાના ખર્ચે દાંતીવાડા ડેમમાં પાણી નાખવા માટેની જે પાઈપલાઈન લગાવવામાં આવી છે તે અંગે પણ સરકાર સાથે ચર્ચા વિચારણા કરીને ડેમમાં પાણી નાખવા અંગે વિચાર કરવામાં આવશે.