- બનાસકાંઠામાં ચોર બન્યા બેફામ, BSNL ટાવરની બેટરી ચોરવા લાગ્યા
- પોલીસે ટાવરની બેટરી અને પ્લેટ્સ સાથે પાંચ આરોપીની કરી ધરપકડ
- મંદિર-મકાનના તાળા તોડ્યા બાદ હવે ચોર BSNL ટાવર પર ત્રાટક્યા
બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી, લૂંટ અને હત્યા જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની મહામારી વચ્ચે પણ ચોરો ચોરી કરવાનું ચૂકતા નથી. ચોરોને જાણે બનાસકાંઠા જિલ્લા પોલીસનો કોઈ જ પ્રકારે ડર ન હોય તેમ એક પછી એક મોટી મોટી ગુનાહિત ચોરીઓની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ચોરો ક્યાંક મંદિરો તોડી રહ્યા છે તો ક્યાંક મકાનો તોડી રહ્યા છે, પરંતુ હવે ચોરોએ નવો પેતરો અજમાવવાનું શરૂ કર્યું છે અત્યાર સુધી ચોરો માત્ર મંદિર અને મકાનને ટાર્ગેટ બનાવી મોટી મોટી ચોરીઓ કરતા હતા.
બીએસએનએલના ટાવરની પ્લેટ્સ અને બેટરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ
ચોરોએ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બીએસએનએલના ટાવરમાંથી બેટરી અને પ્લેટ્સ નીકાળી ચોરી કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન આજે પાલનપુર એસીબી પોલીસ અને આગથળા પોલીસ લાખણી પાસે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે લાખણી સર્કિટ હાઉસ પાસે એક ઈકો ગાડી રોકાવી હતી. અને જેની તપાસ કરતા અંદરથી મોટા પ્રમાણમાં બેટરી અને પ્લેટ્સ મળી આવી હતી. આથી પોલીસે પાંચ લોકોની અટકાયત કરી 6.44.100 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે આટલા ચોરની કરી ધરપકડ
- અશોક મોહન વજીર (રહે. લાખણી)
- જયેશ પુખરાજ દરજી (રહે. લાખણી પટેલ વાસ)
- રમેશ કરશન વજીર (રહે. લાખણી)
- સકીલ અહેમદ મોલાના સુબહાની શેખ (રહે. પાલનપુર માલણ દરવાજા)
- અરમાન મહમદભાઈ શેખ (રહે. પાલનપુર માલણ દરવાજા)