અંબાજીઃ યાત્રાધામમાં ભરાતા ભાદરવી પુનમના મેળામાં અંબાજી ધામ જ નહીં પણ અંબાજી પંથકની ગીરીમાળાઓ પણ પદયાત્રીઓના "બોલમાંડી અંબે, જય જય અંબે"ના નાદથી ગુંજતી હોય છે. પરંતુ આ વખતે અંબાજી સહીત અંબાજીના માર્ગો મેળા દરમિયાન સાવ સુના જોવા મળશે. કોરોનાની મહામારીના કારણે ઇતિહાસમાં સૌ પ્રથમ વખત અંબાજીમાં ભરાતો આ ભાદરવી પુનમનો મેળો બંધ રાખવાની સરકારે જાહેરાત કરી છે. અંબાજીમાં મેળા દરમીયાન 25થી 30 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે.
કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે જીલ્લા કલેકટર દ્વારા અંબાજી મંદિર મેળો સાત દિવસનો હોવા છતા 12 દિવસ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે, અંબાજી ભાદરવી પુનમના મેળા દરમિયાન હજારો વેપારીઓ અંબાજી વેપાર ધંધા કરવા આવતાં હોય છે અને તેમાં પણ ખાસ કરીને સ્થાનિક વેપારીઓ પ્રસાદ, નારીયેળ, કંકુ, રમકડા, ઇમીટેશન જ્વેલરી જેવા અનેક વેપારીઓ મેળા દરમિયાન લાખો રૂપીયાનું વેપાર કરતાં હોય છે.
આ વખતે મેળો અને મંદિર બન્ને બંધ રહેવાની જાહેરાત કરાતા વેપારીઓ ચીંતામાં મુકાય ગયા હતા. જો કે, એક તરફ વેપારીઓ વેપાર ધંધાને લઇ કમાણી ગુમાવવાનો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે ને સાથે કોરોનાની મહામારીને લઇ સરકારે મેળો બંધ કરી કોરોનાથી બચાવવાનો જે પ્રયાસ કર્યો છે તેની સરહાના પણ કરી રહ્યા છે. તેમજ મેળો બંધ રાખવાની જાહેરાતના પગલાને સરકારનું ઉચિત પગલું માની રહ્યા છે.