બનાસકાંઠાઃ બનાસ નદી પર આવેલા દાંતીવાડા ડેમમાં ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળની SDRF કંપની દ્વારા ફ્લડ રેસ્ક્યુની મોકડ્રીલ યોજાઇ હતી. આ મોકડ્રીલ આપત્તિના સમયે વપરાતા સાધનોનું પ્રદર્શન અને દાંતીવાડા ડેમના દરવાજાનું બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાંગલે નિરીક્ષણ કરી આગામી ચોમાસાને અનુલક્ષી કરવાની કામગીરી અંગે અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
બનાસકાંઠા જિલ્લાએ અગાઉના વર્ષોમાં પૂરની પરીસ્થિતિનો સામનો કર્યો હતો. ભવિષ્યતમાં પણ જિલ્લામાં આવી કુદરતી કે માનવ સર્જીત આપત્તિ સર્જાય તો કેવી રીતે ખુબ ઝડપથી બચાવ અને રાહતની કામગીરી કરી શકાય તથા જાનહાની ટાળી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે મડાણા SRP ગૃપ-3ના જવાનો દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી.
આ મોકડ્રીલમાં બે સહેલાણી કપલ દાંતીવાડા ડેમની મુલાકાતે આવે છે અને ડેમમાં બોટીંગ દરમિયાન બીજી બોટ સાથે અથડાવાથી બોટ ઉંધી વળી જાય છે અને બન્ને કપલ ડેમમાં પડી જાય છે. આવા સમાચાર કંટ્રોલ રૂમને મળતાં તાત્કાલીક SDRFના જવાનો બોટ અને તરવૈયાઓ સાથે પહોંચી જઇ તેમને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા. રેસ્ક્યુ કરાયેલા કપલને મેડીકલ ટીમે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે દવાખાને પહોંચાડવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કલેકટર સંદીપ સાંગલેએ SDRFના જવાનોની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં આ જવાનોએ સુરક્ષાના તમામ સાધનો સાથે સજ્જ થઇ ખુબ સરસ મોકડ્રીલ યોજી છે.
સંદીપ સાગલેએ જણાવ્યું કે, વર્ષ-2015 અને 2017માં બનાસકાંઠા જિલ્લામાં આવેલા પૂરના સમયે ટાંચા સાધનો વચ્ચે પણ આ જવાનોએ ખુબ સારી રાહત અને બચાવની કામગીરી કરી હતી. આજે SDRFની કંપની સાધનો અને NDRF જેવી તાલીમથી સજ્જ છે. કોઇપણ આપત્તિને પહોંચી વળવા SDRFની ટીમ મક્કમ ઇરાદાઓ સાથે સજ્જ છે. કલેકટરે દાંતીવાડા ડેમના દરવાજા લાઇટથી, જનરેટરથી, મશીનથી અને માણસો દ્વારા મેન્યુઅલ ખોલાવા તથા બંધ કરાવી ડેમનું નિરીક્ષણ કર્યુ હતું.