પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મારામારીના બનાવો બની રહ્યા છે. એક જ અઠવાડિયામાં બનાસકાંઠા જિલ્લામાં નજીવી બાબતોને લઇ અનેક મારામારીની ઘટનાઓ સામે આવી છે અને આવી મારામારીમાં લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે વધતા જતા મારામારીના બનાવોને લઇ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તો જ ગુનાહિત પ્રવૃત્તિમાં ઘટાડો થશે.
એવામાં વધુ એક મારામારીની ઘટના દિયોદરના રવિયા ગામે બની હતી. આ સમગ્ર ઘટનાની વિગતો જોઈએ તો દિયોદર તાલુકાના રૈયા ગામે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. જેમાં ફરિયાદી ચંદ્રિકાબેન પરમારની છેડતીના કારણે બે જૂથ વચ્ચે મારામારી થતા એક પરિવારના ચાર જેટલા લોકોને ઇજા પહોંચી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મારમારીની ઘટનામાં તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક દિયોદર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતાં તાત્કાલિક ધોરણે દિયોદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને પક્ષની ફરિયાદના આધારે દિયોદર પોલીસે મારામારીની ઘટનામાં 21 જેટલા લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે. આ મામલે દિયોદર પોલીસે મારામારીનું કારણ શું હતું તે દિશામાં તપાસ કરતા છોકરીની છેડતીના કારણે આ બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જે ધારાધોરણ મુજબ હાલ તો દિયોદર પોલીસે ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.