- એપિડેમિક ડ્રોપ્સી નામના રોગથી એક જ પરિવારના 7 લોકોને અસર
- એપિડેમિક ડ્રોપ્સી નામના રોગની સારવાર દરમ્યાન ત્રણના મોત
- ત્રણ લોકોના મોત બાદ રોગ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની ગામ લોકોને સલાહ અપાઈ
- રિફાઇન્ડ વગરનું કાચું રાયડાનું તેલ મોતનું કારણ બની શકે
બનાસકાંઠા- કોરોના મહામારી પછી સ્વાસ્થ્ય અંગે લોકોમાં જાગૃતિ આવતા નવો ટ્રેન્ડ શરૂ થયો છે. બજારમાં મળતા તેલને બદલે રાયડો બજારમાંથી કે ખેડૂત પાસેથી ખરીદીને તેને ઘાણીમાં જઈને પીલાવી તેના તેલનો ખોરાકમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ રિફાઇન્ડ વગરનું કાચું રાયડાનું તેલ મોતનું કારણ બની શકે છે, આ તેલ રિફાઇન્ડ ન થયું હોવાના કારણે તેમાના ઝેરી દ્રવ્યો બહાર નીકળતાં નથી અને આ ઝેરી દ્રવ્યો વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે.
આ પણ વાંચો- વલસાડમાં અત્યારસુધી કુલ 21 હજારથી વધુ મેલેરિયા ટેસ્ટ થયા
તેલના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે
કોરોના પછી લોકોમાં સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ અને તેલના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. તેલના ભાવ વધતા હવે લોકોમાં નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે, લોકો રાયડો જાતે જ ખરીદી બજારમાં ઘાણી પર જઈને પીલાવે અને જે તેલ નીકળે છે તેનો ઉપયોગ પોતાના ભોજનમાં કરે છે. તેના લીધે જ લોકો એપિડેમિક ડ્રોપ્સી (Epidemic dropsy)નામના રોગનો શિકાર બની રહ્યા છે.
ધાનેરા તાલુકાના કુંડી ગામે ડ્રોપ્સી રોગનો શિકાર
ધાનેરા તાલુકાના કુંડી ગામે રહેતા છગન લુમબાજી પુરોહિતને 15 દિવસ અગાઉ પગમાં સોજો આવતાં તેઓ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. સારવાર બાદ પણ પગનો સોજો ના ઉતરતા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ગયા હતા અને ત્યાં તપાસ કરાવતા છગનભાઇને એપિડેમિક ડ્રોપ્સી (Epidemic dropsy)નામનો રોગ થયો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં તેમના પરિવારના સભ્યોનું પણ ચેકઅપ કરવામાં આવતા તેમના પરિવારના અન્ય લોકોમાં પણ તેની અસર જોવા મળી હતી.
પરિવારના અન્ય ચાર લોકોને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડાયા
એપિડેમિક ડ્રોપ્સીના અસરગ્રસ્ત 7 લોકોને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જેમાં સારવાર દરમિયાન છેલ્લા દસ દિવસમાં છગનભાઈ અને તેમનો પુત્ર નવીન અને તેમની પુત્રી દક્ષાબેનનું મોત થયું હતું. જ્યારે પરિવારના અન્ય ચાર લોકોને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડાયા છે.
આ પણ વાંચો- ધોળાકુવા ગામમાં કલોલની જેમ જ કોલેરાના 70 કેસો નોંધાયા
આરોગ્ય વિભાગની તપાસ શરૂ
બનાવને પગલે આરોગ્ય વિભાગે પણ તાત્કાલિક તપાસ કરતા મૃતક છગનભાઈના પરિવારે રાયડો જે ખેતરમાંથી ભેગો કર્યો હતો, તેમાં દારૂડી નામના વનસ્પતિના બીજ પણ આવી ગયા હતા, બાદમાં આ રાયડો રાજસ્થાનના ધનોલ ગામે આવેલી ઘાણી પર જઈને પિલાવ્યો હતો અને તેનું કાચું તેલ પોતાના ઘરે લાવીને જમવામાં ઉપયોગ કર્યો હતો. રાયડો પીલાવ્યો તેની સાથે દારૂડી નામની વનસ્પતિના બીજ પણ સામેલ હોવાથી તેમના પરિવારને ખોરાકી ઝેરની અસર થઈ હતી અને તેમનો પરિવાર ડ્રોપ્સી નામના રોગનો શિકાર બન્યો.
2016માં દાંતીવાડાના જાત ગામે 16 લોકોને એપિડેમિક ડ્રોપ્સીની અસર થઇ હતી
બનાસકાંઠામાં 2016માં દાંતીવાડાના જાત ગામે 16 લોકોને એપિડેમિક ડ્રોપ્સીની અસર થઇ હતી. જેમાં પાંચ લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે ગુંદરી ગામે 7 લોકો એપિડેમિક ડ્રોપ્સી(Epidemic dropsy)ના રોગનો શિકાર બનતા બે મહિલાઓના મોત નિપજ્યા હતા.
વધુ રોગ ન ફેલાય તે માટે રાજ્ય અને જિલ્લા આરોગ્યની ટિમ તૈનાત
ખેતરમાંથી રાયડો ખરીદીને ઘાણીમાં પીલાવી સીધો જ ખોરાકમાં ઉપયોગ કરતા લોકો માટે આ ચેતવણી સમાન કિસ્સો છે, ત્યારે લોકોએ પણ આવા તેલનો ખોરાકમાં ઉપયોગ કરતા પહેલા સાવચેતી રાખવાની જરૂર છે. જો તેલ પીલાવતી વખતે થોડીક સાવચેતી રાખવામાં આવે તો આવી ઘટનાઓને ટાળી શકાય છે, પરંતુ ધાનેરાના કુંડી પાસે ડ્રોપ્સી રોગ બાબતે હાલ આરોગ્ય વિભાગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો- આયર્નની ઉણપથી બાળકોના શારીરિક અને માનસિક અસર પડે છે, આ અંગે શું કહે છે નિષ્ણાંત? જુઓ
ડ્રોપ્સી નામનો રોગ અન્ય ગ્રામજનોમાં ન પ્રવેશે તે દિશામાં કામગીરી શરૂ કરી
કુંડી ગામે બનેલી ઘટનામાં ત્રણ લોકોના મોત બાદ હાલ રાજ્ય તેમજ જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમો હાલ કુંડી ગામે પહોંચી છે અને ડ્રોપ્સી (Epidemic dropsy) નામનો રોગ અન્ય ગ્રામજનોમાં ન પ્રવેશે તે દિશામાં કામગીરી શરૂ કરી છે.