- બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વર્ષોથી ખેતી સાથે જોડાયેલા છે
- ખાનગી કંપની દ્વારા રાસાયણિક ખાતરોના ભાવમાં વધારો કરાયો
- ભાવ વધારાથી જિલ્લાના ખેડૂતોમાં રોષ
- સરકાર રાસાયણિક ખાતર ભાવ પાછો ખેંચે તેવી રજૂઆત કરાઈ
બનાસકાંઠા: જિલ્લાના ખેડૂતો વર્ષોથી ખેતી સાથે જોડાયેલા છે. વર્ષોથી પાણીની સમસ્યા હોવા છતાં પણ ખેડૂતો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દિવસેને દિવસે જે પ્રમાણે જિલ્લામાં કુદરતી હોનારત કે પછી કોરોના મહામારી, ખેડૂતો દિવસેને દિવસે પાયમાલ થતાં જઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તે કોરોના મહામારીમાં બે વર્ષ સુધી ખેડૂતો પાયમાલ થયા હતા. જે બાદ ફરી એકવાર ખેતીમાં સારા ભાવ મળવાની આશા હતી. વારંવાર બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે ફરી એકવાર ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અગાઉ પણ જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા હોવાનાં કારણે ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા, ત્યારે વારંવાર જિલ્લાના ખેડૂતોને થતા નુકસાનને કારણે હવે ખેડૂતો ખેતી છોડી પશુપાલન તરફ જોવા મળી રહ્યા છે.
રાસાયણિક ખાતારમાં ભાવ વધારો
રાજ્યમાં ખાતર કંપનીઓ દ્વારા વર્ષમાં બેથી ત્રણ વાર ભાવ વધારીને ખેડૂતો પર બોજો નાખે છે. ડીઝલના ભાવ પણ રોજ બરોજ વધતા આજે 100 રૂપિયાને પાર જતા ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની છે. ગતરોજ ખાનગી કંપની દ્વારા રાસાયણિક ખાતરમાં મોટો ભાવ વધારો કરી દેતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. ખેડૂતોએ આ ભાવ વધારો પરત ખેંચવાની માગ સાથે ડીઝલમાં પણ સબસીડી આપવાની માગ કરી છે.
રાસાયણિક ખાતારમાં 65 થી 455 રૂપિયાનો ભાવ વધારો
હાલ ખાનગી કંપની દ્વારા બેગએ રૂપિયા 65 થી માંડીને 455 સુધી અલગ અલગ ખાતરમાં અલગ અલગ ભાવ વધારો કરી દીધો છે. જોકે હાલ એક તરફ રવિ સિઝન એટલે કે બટાટાના વાવેતરની તૈયારીઓ છે. તો બીજી તરફ એ જ સમયે ભાવ વધારો કરીને ખેડૂતો પર બોજો જીકી દીધો છે. જેથી ખેડૂતોમાં રોષ છે. ખેડૂતોનું કહેવું છે કે, સરકાર આવક ડબલ કરવાની જગ્યાએ ડીઝલ અને ખાતરના ભાવ ડબલ કરી દીધા છે તે યોગ્ય નથી, ખેડૂતો લાચાર છે.
જિલ્લાના ખેડૂતોએ કર્યો વિરોધ
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ભેગા મળી આ ભાવ વધારાનો વિરોધ કર્યો હતો અને ભાવ પરત ખેંચવા સાથે ડીઝલમાં પણ સબસીડી આપવાની માગ કરી હતી. ખેડૂતોએ 2022 ની ચૂંટણીમાં સરકારને બતાવી દેવાની ચીમકી પણ ઉચ્ચારી છે. હવે ઇફ્કો કંપની ભાવ ધટાડો કરે છે કે કેમ તે જોવાનું રહ્યું.
રાસાયણિક ખાતરમાં ભાવ વધારો
- NPK ખાતરની 50 કિલોની બોરીમાં 265 રૂપિયાનો વધારો
- NPK ખાતરની બોરીના 1175 થી વધી 1440 થયા
- ASP માં બોરીએ 175 રૂપિયાનો વધારો
- ASP માં બોરીએ 1050 થી વધી 1225 થયા
- પોટાશમાં 50 કિલોની બોરીએ 165 નો વધારો
- પોટાશના ભાવ 875 થી વધી 1040 થતા
- સલ્ફેટનો બોરીમાં 40 રૂપિયાનો વધારો થયો
- સલ્ફેટમાં બોરીએ 735 થી વધી 775 થયા