- સરહદી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કુદરતી આફતોથી પરેશાન
- બનાસકાંઠા જિલ્લામાં એક જ વર્ષમાં ત્રણ વાર થયું હતું તીડ આક્રમણ
- ખેડૂતોને તીડ આક્રમણથી થયેલ નુકસાનનું વળતર ન ચુકવતા ખેડૂતોમાં રોષ
બનાસકાંઠા : જિલ્લો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે. પહેલા સરહદી બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત હોવાના કારણે ખેતી થતી ન હતી. જેના કારણે સરહદી બનાસકાંઠા જિલ્લો રણ જેવો પડ્યો હતો. જે બાદ સરહદી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની ગુજરાત સરકારમાં પીવાના પાણી માટે અને ખેતી કરવા માટે વારંવાર રજૂઆતના પગલે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી તાત્કાલિક ધોરણે નર્મદા નહેરની બનાસકાંઠા જિલ્લામાં સ્થાપના કરવામાં આવી હતી.જેના કારણે સરહદી બનાસકાંઠા જિલ્લામાં નર્મદાનું પાણી પહોંચતાની સાથે જ સરહદી વિસ્તાર હરિયાળો બન્યો હતો. આમ જ્યાં વર્ષોથી સરહદી વિસ્તારોમાં ખેતી થતી ન હતી. તે વિસ્તાર હાલ લીલાછમ જોવા મળી રહ્યા છે.

સરહદી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કુદરતી આફતોથી પરેશાન
બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તાર ગણાતા વાવ, થરાદ, સુઈગામના ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર કુદરતી આફતોના કારણે ખેતીમાં મોટું નુકસાન વેઠી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારના ખેડૂતો નર્મદાના પાણી આધારિત ખેતી કરે છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષથી ઇયળનો ઉપદ્રવ કમોસમી વરસાદ તીડના આક્રમણથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વારંવાર નુકસાની વેઠી રહ્યા છે. સરકારમાં પણ નુકસાનીના પગલે અનેક વાર રજૂઆત અને આંદોલનો કરવામાં આવ્યા છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કુદરતી આફતોમાં થયેલ નુકસાનનું વળતર ન ચુકવતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં એક જ વર્ષમાં ત્રણ વાર થયું હતું તીડ આક્રમણ
બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે એક-બે વાર નહીં પરંતુ પાંચ પાંચ વાર તીડના ઝુંડોએ આક્રમણ કર્યું હતું અને અડધા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું હતું. ગત વર્ષે પણ વારંવાર તીડના આક્રમણથી પાંચ તાલુકાઓમાં નુકસાન થયું હતું. જેમાં સૌથી વધુ થરાદ અને વાવ વિસ્તારમાં નુકસાન થયું હતું. જોકે, તીડ આક્રમણ બાદ સરકારે તમામ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવવાની વાત કરી હતી. તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તીડના આક્રમણથી નુકસાનગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવામાં આવ્યો હતો. જોકે, વાવ તાલુકાના પાનેસડા ગામમાં પણ 100 થી વધુ ખેડૂતોને તીડ આક્રમણથી નુકશાન થયું હતું. પરંતુ સર્વે કર્યાના એક વર્ષ બાદ પણ હજુ સુધી આ ગામના ખેડૂતોને સહાય ચુકવાઇ નથી. જે માટે અસરગ્રસ્ત ખેડૂતોએ વારંવાર મામલતદારથી લઈ કલેકટર કચેરી સુધી રજૂઆત કરી હતી. લેખિત અને મૌખિક રજૂઆત કર્યા બાદ પણ હજુ સુધી સહાય ન ચૂકવામાં આવતા ખેડૂતોએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો.
તીડ આક્રમણથી ખેડૂતોને નુકશાન
1 વર્ષ અગાઉ વાવ પંથકમાં તીડ આક્રમણ થયું હતુ. જેમાં કેટલાક ખેડૂતોને મસમોટું નુકસાન થયું હતું. જેમાં તીડે જીરું, એરંડા જેવા પાકોનો સફાયો બોલાવી દીધો હતો. ત્યારે અનેક ગામોના ખેડૂતોને નુકસાન ભોગવવવાનો વારો આવ્યો હતો. જેને લઈને ખેડૂતના હિત માટે સરકારે નિર્ણય લીધો હતો અને બે હેકટરની મર્યાદામાં હેક્ટરે 18 હજાર રૂપિયા સહાય ચૂકવાઈ છે. પરંતુ હજુ પણ કેટલાય ખેડૂતો સહાયથી વંચિત છે. સરકારી આંકડા મુજબ માહિતી જોઈએ તો નુકશાનીના સમયે જિલ્લામાં કુલ 9472 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી જતી. જેમાંથી 9400 ખેડૂતોને સહાય ચુકવણું થઈ ગયું છે. એટલે કે, 18.82 કારોડમાંથી 41 લાખ રૂપિયા જ ચૂકવવાના બાકી છે. જ્યારે ઓફલાઇન જે ખેડૂતોએ અરજી કરી હતી. તે તમામને સહાય હજુ ચુકવવાની બાકી હોવાનું મદદનીશ ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.
જિલ્લામાં 95 ટકા ખેડૂતોને સહાય અપાઈ
જિલ્લા મદદનીશ ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર 95 ટકા ખેડૂતોને સહાયની ચુકવણું થઈ ગઇ છે. એટલે કે, 20 કરોડમાંથી સાડા 18 કરોડ રૂપિયા જેટલી સહાય ચૂકવાઇ ગઇ છે. માત્ર દોઢ કરોડ રૂપિયાની ચૂકવણી બાકી છે. તે પણ ગ્રાન્ટ આવશે એટલે તેમને ચૂકવી દેવામાં આવશે. જોકે, બીજી તરફ કોરોના મહામારીના સમયમાં આર્થિક સ્થિતિ તંગ બનતા ખેડૂતોની ધીરજ ખૂટી ગઈ છે. ત્યારે હવે સરકાર આ ખેડૂતોને જલ્દી સહાયની ચુકવણી કરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
તાત્કાલિક સહાય ચૂકવવા માંગ
જોકે, આ બાબતે પાનેસડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે પણ ઉચ્ચ સ્તરે રજુઆત કરી છે. જેમાં પાનેસડાના સૌથી વધુ ખેડૂતો તીડ સહાયથી વંચિત છે. જેઓને તાત્કાલિક ધોરણે ખેડૂતને થયેલ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે એવી લેખિત રજુઆત કરવામાં આવી છે. જોકે, હજુ સુધી ખેડૂતોને તીડ આક્રમણથી થયેલ નુકસાનનું વળતર ન ચુકવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે, અધિકારીઓ આવીને સર્વે કરીને ગયા છે તો હજુ કેમ સહાય ચૂકવાઈ નથી. બાર બાર મહિનાના વાણા વાઈ ગયા છતાં તંત્રને પાસનેડાના ખેડૂતો યાદ ના આવ્યા. ત્યારે હવે ખરેખર ખેડૂતોને તીડના નુકસાનીનું વળતર ચૂકવાશે કે પછી આ ખેડૂતોની મજાક થશે જેવા અનેક આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે.