- નર્મદા વિભાગની બેદરકારી આવી સામે
- વારંવાર રજુઆતો કરવા છતાં પરિણામ શૂન્ય
- નર્મદાનું પાણી નહિ મળતા ખેડૂતોમાં રોષ
બનાસકાંઠા: સરહદી વિસ્તારના ભાભર તાલુકાના તેટરવા અને ચલાદરની નીકળતી 24 નંબરની માઇનોર કેનાલની સફાઈ ખેડૂતોએ કરી હતી. જ્યારે ખેડૂતો દ્વારા નર્મદા વિભાગના અધિકારીઓને વારંવાર રજુઆતો કરવામાં આવી છે. છતાં પણ અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.
ખેડૂતોએ જાતે કેનાલ સફાઈ કરી
બનાસકાંઠાના ભાભર તાલુકાના તેટરવા અને ચલાદર ગામની સીમમાંથી પસાર થતી 24 નંબરની માઇનોર કેનાલમાં છેલ્લાં કેટલાંય સમયથી કેનાલમાં માટી ભરાઈ ગઈ હતી અને ચોમાસામાં કેનાલમાં ઘાસ ઉગી નીકળ્યું હતું. જ્યારે ગામના જાગૃત લોકોએ નર્મદા વિભાગના અધિકારીઓને કેટલીયવાર રજૂઆતો કરી હતી. છતાં પણ કેનાલની સફાઈ કરવામાં ન આવતા ખેડૂતોએ જાતે કેનાલ સફાઈ કરી નર્મદાના અધિકારીઓ પર રોષ ઠાલવ્યો હતો.
દર વર્ષે કેનાલ સફાઈ કરવાની આવતી ગ્રાન્ટ જાય છે ક્યાં..?
બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં સરકાર દ્વારા કરોડોના ખર્ચે કેનાલો બનાવવામાં આવી છે. તેમાં ખેડૂતો માટે શિયાળુ વાવેતર કરવામાં આવે છે. પણ જયારે ચોમાસુ આવે તયારે વરસાદના કારણે કેનાલો માટીથી ભરાઈ જાય છે. તેમજ કેનાલોમાં ઘાસ પણ ઊગી નીકળે છે. ત્યારે સરકાર તરફથી કેનાલની સફાઈ અને રીપેરિંગ કરવા દર વર્ષે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ આ ગ્રાન્ટ જાય છે ક્યાં તે એક પ્રશ્ન બની જાય છે. જેમાં બનાસકાંઠાના સરહદી વિસ્તારના વાવ, સુઇગામ અને ભાભરના વિસ્તારમાં કેટલીય કેનાલોની સફાઈ હજી સુદ્ધા કરવામાં આવી નથી.
નર્મદાનું પાણી નહિ મળતા ખેડૂતોમાં રોષ
ભાભર તાલુકાના ચલાદર ગામના ખેડુતોએ તેટરવાથી ચલાદર જતી માઇનોર કેનાલમાં પાણી છોડવા ચલાદર ગામના ખેડૂતોની માંગ ઉઠી છે નર્મદાના અધિકારીની બેદરકારીના કારણે ભાભર તાલુકામાં ખેડૂતો નર્મદાનું પાણી નહિ મળતા પરેશાન થઇ ગયા છે.