બનાસકાંઠાઃ ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. કૂવા, બોરવેલ, ચેકડેમો હાલ સુકાવાના આરે છે. કૂવાના તળ નીચા જવાના કારણે 8 કલાક ચાલતું વીજ કનેક્શન માત્ર 4-5 કલાક ચાલે છે. આવામાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા 8 કલાક વીજળી આપવામાં આવતી હતી, તેમાં કાપ મૂકી ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવે છે.
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે વારંવાર રજૂઆત કરવા છતાં પણ ઇકબાલગઢના ખેડૂતોની કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવી હતી. જેથી ગુરુવારે તમામ પીડિત ખેડૂતો ઈકબાલગઢ UGVCLની કચેરીમાં પહોંચ્યા હતા અને કાર્યપાલક એન્જિનિયરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
અધિકારીઓની ઘોર-બેદરકારીના કારણે 4થી 5 કલાક જ વીજ પુરવઠો મળતાં ખેડૂતોને મુશ્કેલી પડે છે. એક તરફ કોરોનાની મહામારી અને વરસાદ ખેંચાયો છે, ત્યારે બીજી તરફ વીજ કંપનીના અધિકારીઓની બેજવાબદારીના કારણે ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી. જેથી સમયસર વીજળી નહીં મળવા પર ખેડૂતોએ ઉગ્ર-આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.