- બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષ 75 હજાર ટન રાસાયણિક ખાતરનો ઉપયોગ
- સરકાર દ્વારા ભાવ ઓછો નહીં કરવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન
- સરકાર તાત્કાલિક ધોરણે ભાવ પાછો ખેંચાવે તેવી ખેડૂતોની માગ
બનાસકાંઠા: છેલ્લા એક વર્ષથી કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો છે, જેની અસરથી ખેડૂતો પણ બાકાત રહી શક્યા નથી, તેવામાં ઇફકો કંપનીએ ખાતરમાં 40 ટકા જેટલો ભાવવધારો ઝીંકી દેતા ખેડૂતોની હાલત વધુ કફોડી બની ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે 75 હજાર ટન ઇફકો કંપનીના ખાતરની ખપત હોય છે, ત્યારે હવે કંપનીએ તેમાં ભાવવધારો ઝીંકી દેતાં ખેડૂતોએ દર વર્ષે કરોડો રૂપિયા વધુ ચૂકવવા પડશે. કોરોના મહામારીમાં ખેડૂતો માટે આ એક વધુ માઠા સમાચાર છે. દેશની સૌથી મોટી સહકારી ફર્ટીલાઈઝર કંપની ઇફકોએ ખાતરના ભાવમાં અધધ કહી શકાય તેવો ધરખમ ભાવ વધારો ઝીંક્યો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. એક તરફ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી રહી છે, ત્યારે એકાએક રાસાયણિક ખાતરમાં વધારો કરતાં હાલ ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે, ત્યારે રાસાયણિક ખાતરોના ભાવ વધારાથી હાલ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
ભાવવધારા પર ખેડૂતની પ્રતિક્રિયા
આ અંગે ખેડૂત મોહનલાલ માળીએ જણાવ્યું હતું કે, ઇફકો કંપની દ્વારા જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થશે એક તરફ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરી રહી છે. પરંતુ હવે તો ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે સરકાર પોતાની તિજોરી ભરવા માટે જ દર વર્ષે ભાવ વધારો કરાવી રહી છે ત્યારે જો સરકાર ખેડૂતોનું હિત ઇચ્છતી હોય તો તાત્કાલિક ધોરણે આ ભાવવધારો પાછો ખેંચવો જોઈએ જેથી આવનારા સમયમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો ના આવે.
આ અંગે ખેડૂત ભમરાજીએ ETV ભારત સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હમણાં જ ઇફકો કંપની દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે પહેલા મારે 10 વિઘા જમીનમાં વાર્ષિક 1 લાખ ખાતરનો ખર્ચ થતો હતો હવે દોઢ લાખ જેટલો થશે જેના કારણે મારે 50 હજાર રૂપિયા વધારે આપવા પડશે.
ઉગ્ર આંદોલન કરવાની ખેડૂતોએ આપી ચીમકી
આ અંગે ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રતિનિધિ હીરાજી માળીએ ETV ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં જ ઇફકો કંપની દ્વારા રાસાયણિક ખાતરોમાં 50 ટકા જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે નહિતર આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે અને તેની તમામ જવાબદારી સરકારની રહેશે.
સરકાર દ્વારા ભાવ ઓછો નહીં કરે તો ખેડૂતો કરશે ઉગ્ર આંદોલન
એક તરફ કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ ગુજરાતમાં શાંત બેઠેલા ખેડૂતોને ખાતરમાં થયેલા ભાવ વધારો સહન થઈ શકે તેમ નથી અને અને જો ખાતર માં થયેલો ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી સમયમાં બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં પણ ખેડૂતના વિરોધનો સરકારે સામનો કરવો પડશે. કોરોનાવાયરસની મહામારીમાં ખેડૂતે સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે ખેડૂતો પોતાના ખેતરમાં પાકોનું વાવેતર કરી ગુજરાન ચલાવી રહ્યા છે, તેવામાં રાસાયણિક ખાતરોના ભાવ વધારાથી ખેડૂતો પર ફરી એકવાર મોટી આફત આવી છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આમ તો છેલ્લા પાંચ વર્ષથી કુદરતી આફતો અને પાકોના ઉંચા નીચા જતા ભાવોના કારણે પાયમાલ થયા છે. ત્યારે હાલ તો ખેડૂતોની એક જ માંગ છે કે, સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે રાસાયણિક ખાતરના ભાવમાં ઘટાડો કરવામાં આવે.
સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે રાસાયણિક ખાતર નો ભાવ પાછો ખેંચાવે તેવી ખેડૂતોની માગ
આમ તો બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા જિલ્લો છે વર્ષોથી મોટાભાગના ખેડૂતો ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે સરહદી વિસ્તારમાં જ્યારથી નર્મદા કેનાલ આવી છે ત્યારથી ખેડૂતો સારી ખેતી કરી રહ્યા છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી વારંવાર કુદરતી આફતો અને પાકો માં સારા ભાવ ના મળતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે ગત વર્ષે કોરોનાવાયરસ ની મહામારી ના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું ત્યારે આ વર્ષે લોકડાઉન ખુલતાની સાથે જ માંડ માંડ ખેડૂત પોતાનો પાક વહેંચી ઉભો થયો છે. તેવામાં ઇફકો કંપની દ્વારા રાસાયણિક ખાતરમાં એકાએક 40 ટકા જેટલો ભાવ વધારો કરી દેતાં ખેડૂતોના માથે મોટું સંકટ આવ્યું છે. ત્યારે સરકાર દ્વારા ઇફકો કંપની દ્વારા જે ભાવ વધારો કરવામાં આવે છે તે પાછો ખેંચવામાં આવે તેવી હાલ ખેડૂતો માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: જેતપુર મેવાસા ગામે યુરિયા ખાતરની થેલીમાંથી ધૂળ પથ્થર નીકળ્યા
રાસાયણિક ખાતરમાં કરવામાં આવેલ ભાવ વધારો
ઇફકોએ ડીએપી ખાતર મા 700 રૂપિયાનો ભાવ વધારો કરતા ડીએપી ખાતરના ખેડૂતો એ હવે 1,200 રૂપિયાની જગ્યાએ 1,900 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે એનપીકે 12:32:16 નામના ખાતરના કંપનીએ 1,185ની જગ્યાએ 1,800 કર્યા છે. એમાં પણ 615 રૂપિયાનો વધારો થયો છે. આ ઉપરાંત એનપીકે 10:26:26 ખાતરમા પણ 600 રૂપિયાનો ભાવ વધારો કરતા તેના 1,175 રૂપિયાની જગ્યાએ 1,775 રૂપિયા થયા છે. જ્યારે એએસપી ખાતરના પણ 975રૂપિયાની જગ્યાએ 1,350 થઈ ગયા છે. જેમાં રૂપિયા 375નો વધારો થયો છે.