બનાસકાંઠાઃ જિલ્લામાં પાણીની સમસ્યાને લઇ 5 તાલુકાના ખેડૂતોએ શુક્રવારે સાંસદ સભ્યને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલમાં પાણી આપી ખેડૂતોના બળતા પાકને બચાવવા રજૂઆત કરી હતી.
જિલ્લામાં આવેલી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ના અપાતા ખેડૂતોની હાલત કફોડી બની છે, જેના કારણે 5 તાલુકાઓમાં 1000 ફૂટના 5 હજાર જેટલા બોર ટ્યુબવેલ બનાવવા પડ્યા છે. એક બોર દીઠ પાંચ થી છ લાખ ખર્ચ આવે છે, જેના કારણે ખેતી ખર્ચ વધવાની સાથે ખેડૂતોના દેવામાં પણ વધારો થઈ રહ્યો છે. જો કેનાલ સતત ચાલુ રહે તો નવા બોર બનાવવાની જરૂર નહીં પડે અને ખેડૂતોનો ખર્ચ બચી જશે. તેમજ કેનાલ ચાલુ રહશે તો પાણીના તળ પણ ઊંચા આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના ખેડૂતોની આવક ડબલ કરવાના સ્વપ્નને પણ સાકાર કરી શકાશે.
બનાસકાંઠા જિલ્લો દિવેલા, બાજરી, મગફળી, દાડમ, જીરું સહિતના પાક ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને જો પૂરતું પાણી મળી રહે તો તેને આધારિત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ટકી રહેશે અન્યથા આ બધું ખોવાનો વારો આવશે, તેમજ અંદાજિત બેથી ત્રણ લાખ લોકો બેરોજગાર થશે.
બનાસનદી અગાઉ બારેમાસ વહેતી હતી એટલે આ વિસ્તારમાં પાણીની સમસ્યા ઓછી હતી, પરંતુ આ નદી પર રાજસ્થાન અને ગુજરાતમાં ઘણા ડેમો બનાવવાના કારણે નદી સુકાઈ ગઇ છે, જેથી અંદાજિત 15 લાખ હેક્ટર જમીન પ્રભાવિત થઇ છે.
જિલ્લામાં પાણીની સમસ્યાને લઇ ખેડૂતોએ સાંસદ પરબત પટેલને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી હતી, તેમજ જો સરકાર તાત્કાલિક ખેડૂતોની વાત નહીં સાંભળે અને કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો આગામી સમયમાં કોરોનાની મહામારી વચ્ચે પણ પાંચ હજાર જેટલા ખેડૂતો ભેગા થઇ આંદોલન કરશે તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.