- ડીસાના પાલડી-જસાલી ગામને જોડતાં માર્ગ પર હતો 70 વર્ષ જૂનો રસ્તો
- રેલવેનું કામ ચાલતું હોવાથી આ રસ્તો છેલ્લા 2 મહિનાથી કરાયો છે બંધ
- બે ફાટકોની વચ્ચે ઉત્તર તરફ આવેલા વર્ષો જૂના રેલવે ફાટક નંબર-46 બંધ કરાતાં ઉહાપોહ
- રેલવેથી લઈ કલેક્ટર સુધી તમામને થઈ ચૂકી છે અનેકો વખત રજૂઆત
- કલેકટરને પાંચમી વખત અપાયું આવેદનપત્ર, પરંતુ હજુ સુધી પરિણામ શૂન્ય
- જો રસ્તો નહીં ખૂલે તો ખેડૂતોએ આપી આંદોલનની ચીમકી
બનાસકાંઠાઃ સમગ્ર વિગત જોઈએ તો, ડીસા તાલુકાનું પાલડી ગામ ભીલડી અને જસાલીની મધ્યમાં આવેલું છે અને ત્યાં રેલવે નીકળી તે પહેલાં ગામમાં જ ખેતર હતું. ત્યારબાદ રેલવે નીકળતાં ગામવાળા લોકોને જે ખેતરો આવેલાં છે ત્યાં આવવા જવા માટે તેમજ ખેતપેદાશોની હેરફેર માટે અહીં રેલવે ક્રોસિંગ નંબર-46ની સુવિધાઓ આપેલી હતી અને ત્યાં ભીલડી તથા જસાલીની મધ્યમાં ફાટક નંબર 46 અને 45 એમ બે ફાટકોની વચ્ચે ઉતરની તરફ મુખ્ય રસ્તો હતો.
હજી પણ રસ્તો નહીં ખૂલે તો ખેડૂતો કરશે ઉગ્ર આંદોલન
આ રસ્તો ખેડૂતોના અવરજવર અને માલ પરિવહન માટે ઉપયોગી હતો, પરંતુ રેલવે તંત્રે ફાટક નંબર 46ની પાસેનો આ રસ્તો છેલ્લાં બે માસથી બંધ કરી દીધો છે. આના લીધે ખેડૂતો ભારે મુશ્કેલી ભોગવી રહ્યાં છે. આથી 70 વર્ષો જૂનો આ રસ્તો બંધ થઈ જતાં ખેડૂતો આ રસ્તો ખોલાવવા સતત રજૂઆતો કરી રહ્યાં છે. અનેક અધિકારીઓ પદાધિકારીઓ લેખિતમાં રજૂઆત કરાઈ હોવા છતાં હજુ સુધી ખેડૂતોની સમસ્યા દૂર થઈ નથી. જિલ્લા કલેકટરને પણ આ અગાઉ 4 વખત આવેદનપત્ર અપાયું હોવા છતાં કોઈ પરિણામ ન આવતા આજે ખેડૂતોએ ફરી કલેક્ટરને આવેદનપત્ર આપી તત્કાલિક ફાટક ખોલાવવાની માગ કરી હતી. જોકે, હવે રસ્તો નહીં ખૂલે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.