બનાસકાંઠા: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ આ ગ્રાન્ટ ગ્રામીણ વિસ્તારોમાં વપરાય છે કે નહીં તે સરકારે જોવું જરૂરી છે કારણ કે બનાસકાંઠા જિલ્લામાં આજે ગ્રામીણ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે સારા એવા રોડ બની રહ્યા છે. પરંતુ જિલ્લામાં આજે પણ એવા અનેક તાલુકાઓ છે કે જ્યાં 20 વર્ષથી રોડ બન્યા નથી અનેકવાર રોડ બાબતે સરકારમાં રજૂઆતો કરવા છતાં ગ્રામીણ વિસ્તારના લોકોને નવા રોડ બનાવી આપવામાં આવતા નથી. જેના કારણે ખેડૂતોને શાકભાજી લઇ પસાર થવામાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ત્યારે વાત કરવામાં આવે વડગામ તાલુકાના સિસરાણા ગામ ની. તો સિંસરાણા ગામમાંથી પસાર થતો રોડ જલોત્રા રોડને મળે છે. આ રોડની આજુબાજુ 700થી પણ વધુ ખેડૂતો અને પશુપાલકોનો પરિવાર વસવાટ કરે છે. અને તેઓ દરરોજ પોતાની શાકભાજી અને દૂધ ભરાવવા માટે આ રોડ પરથી પસાર થાય છે. પરંતુ ખરાબ રોડના કારણે અહીંથી પસાર થવામાં ખેડૂતોને અને પશુપાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. વર્ષોથી રોડ બનાવવા માટે સ્થાનિક લોકોએ સરકારમાં રજૂઆત કરી છે. પરંતુ 20 વર્ષ જેટલો સમય વિતવા છતાં હજુ સુધી આ વિસ્તારમાં નવો રોડ બનાવવામાં આવ્યો નથી. જેના કારણે આ રોડ પરથી પસાર થવામાં અનેક અકસ્માતો પણ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આ વિસ્તારમાં નવો રોડ બનાવી આપવામાં આવે તેવી સ્થાનિકોની માંગણી છે.