બનાસકાંઠાઃ કોરોનાને લઈને કેન્દ્ર સરકારે કરેલા 21 દિવસના લોકડાઉન બાદ ખેડૂતોને પણ તેની અસર થવા લાગી છે. જેમાં બનાસકાંઠાની વાત કરીએ તો જિલ્લામાં 15 હજાર હેક્ટરથી વધુ જમીનમાં ખેડૂતોએ શક્કરટેટીનું વાવેતર કર્યું છે અને આ શક્કરટેટીના વાવેતર પણ ખૂબજ મોંઘું થાય છે.
તેમજ શક્કરટેટી મોટાભાગે જમ્મુ કાશ્મીરમાં જતી હોય છે. પરંતુ હાલ આ કોરોનાને લઈને ટ્રાન્સપોર્ટ બંધ રહેતા ત્યાંના વેપારીઓ આવ્યા નથી કે, નથી ખેડૂતો અહીંથી શક્કરટેટી મોકલી શકતા. તો બીજી તરફ મજૂરો ન મળતા હવે તૈયાર થયેલી શક્કરટેટી ખેતરમાં જ ખરાબ થઈ રહી છે.
હેવ આ ટેટી પશુઓને નાખવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, ટેટીનો પાક તૈયાર થઈ ગયો છે પણ હાલ ટ્રાન્સપોર્ટ બંધ હોવાના કારણે જમ્મુ કાશ્મીર જઇ શકતી નથી કે ત્યાંના વેપારીઓ પણ આવ્યા નથી જેથી ટેટી પશુઓને નાખવાનો વારો આવ્યો છે. જોકે ટેટીનું બિયારણ અને દવા પણ મોંઘી હોય છે. જેથી અમારે ખૂબજ મોટું નુકસાન વેઠવું પડ્યું છે અને ઉનાળુ સિઝન ફેલ થઇ છે.