બનાસકાંઠા જિલ્લો આંતરરાજકીય અને આંતરરાષ્ટ્રીય બોર્ડર સાથે સંકળાયેલો છે. જેને પગલે અહીંથી અવાર-નવાર પાકિસ્તાની શખ્સો તો ક્યારેક ડુપ્લીકેટ નેટવર્ક જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે.
લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વાહનોનું સઘન તપાસ કરવામાં આવે છે.
આ ચેકિંગ દરમિયાન રાજસ્થાનમાંથી અમીરગઢ બોર્ડર પસાર કરી આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસને પાલનપુર પાસે થોભાવી તપાસ કરતા સ્લીપર કોચમાં સુતેલા શખ્સ પાસે રહેલા થેલાની પણ તપાસ કરવામાં આવી હતી. તે થેલામાંથી ડુપ્લીકેટ ચલણી નોટો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે રાજસ્થાનના બિકાનેરનો પુનમચંદ ઓમપ્રકાશ શર્મા હોવાનું કબુલ્યું હતું. તેના થેલામાં રહેલી 43.30 લાખ રૂપિયાની 2000ની 2,165 નોટો ડુપ્લીકેટ હોવાનું જણાવ્યું હતું. તો આ સાથે જ આ નોટો બિકાનેરથી અજાણ્યા શખ્સે આપી હોવાનું જણાવ્યું હતું. જે સુરતમાં નરેન્દ્ર કૈલાશચંદ ગુરાવા નામના વ્યક્તિને આપવાની હતી. પ્રાથમિક તાપસમાં આ નોટોની સિરિયલ અંગે તપાસ કરતા પ્રિટિંગ અથવા ઝેરોક્સ કરેલી હોવાનું માલુમ પડ્યું હતું. જો કે, હાલમાં પોલીસ દ્વારા 43.30 લાખની ડુપ્લીકેટ નોટો સાથે પુનમચંદની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠામાં આટલી મોટી માત્રામાં ડુપ્લીકેટ ચલણી નોટો મળી આવવાનો કદાચ આ પ્રથમ બનાવ છે. હાલના ચૂંટણીના માહોલમાં આ નેટવર્ક પકડાતા બનાસકાંઠા પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં પોલીસ આ ડુપ્લીકેટ ચલણી નોટો ક્યાં બનાવી, કોને આપવાની હતી, આ ગુનામાં કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.