બનાસકાંઠાઃ સમગ્ર રાજ્યમાં રવિવારે ભરશિયાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. કેટલીક જગ્યાએ તો કરા સાથે વરસાદ વરસ્યો હતો. આવો જ કંઈક નજારો જોવા મળ્યો હતો અંબાજી અને દાંતા પંથકમાં. અહીં બરફના કરા સાથે વરસાદ વરસતા ખેતીવાડીમાં તારાજી સર્જાઈ હતી. તેમ જ કમોસમી વરસાદના કારણે અનેક ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચ્યું હતું.
આ પણ વાંચો Organic farming: નવસારીના ખેડૂતે ખેતરને બનાવ્યું પ્રાકૃતિક ખેતીની પ્રયોગશાળા
ચોમાસાને પણ શરમાવે તેવો વરસાદ વરસ્યોઃ અહીં ગત ચોમાસામાં પણ બરફના કરા સાથે વરસાદ વરસ્યો નહતો, પરંતુ આ વખતે ભર શિયાળે ચોમાસાને પણ શરમાવે તેવા વરસાદી દ્રશ્યો અહીં અંબાજી પંથકમાં જોવા મળ્યા હતા. આ ભારે વરસાદના કારણે ધરતીપુત્રોને લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં મહત્તમ ઘઉં, રાયડા જેવા પાક વધુ થાય છે ને હાલ આ પાક તૈયાર થઈને ખેતરમાં ઊભેલો હતો. ત્યાં પડેલા ભારે વરસાદે ખેડૂતોની ખુશી નારાજગીમાં ફેરવી નાખી છે.
ખેડૂતોનો પાક થયો જમીનદોસ્તઃ મહત્તમ ખેડૂતો ખેતીવાડી ઉપર પોતાનો જીવન નિર્વાહ કરે છે. તેવામાં કમોસમી વરસાદના પગલે ખેતરોમાં ઊભેલો પાક જમીનદોસ્ત થઈ ગયેલો જોવા મળે છે. ઘઉંનો પાક થોડા જ સમયમાં ખેતરમાંથી લેવાનો હતો. ત્યાં વરસાદે ખેતરોમાં લચી રહેલા પાકને જમીનદોસ્ત કરી દેતા આદિવાસી ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોવાની પરિસ્થિતિ હાલ દાંતા તાલુકામાં જોવા મળી રહી છે, જ્યાં ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ લાવી ખેતીવાડી તો કરી પણ કમોસમી વરસાદે ઊભા પાક ઉપર પાણી ફેરવી દીધું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.
પાક નકામો થઈ ગયોઃ બીજી તરફ રાયડાનો તૈયાર પાક ખેતરોમાં ઊભેલો હતો. તે પણ જમીનદોસ્ત થઇ ગયો છે. જોકે રાયડાનો પાક પાકીને તૈયાર થઈ જતા ખેડૂતો પાક લણી પૂળા બાંધી ખેતરોમાં જ મુકેલા હતા. ત્યાં પડેલા ધોધમાર વરસાદે કાપેલા પાકને કમોસમી વારસાદના પાણી એ પાણીમાં તરબોળ કરી દીધા છે, જેના કારણે આ પાક હવે નકામો થઇ ગયો હોવાનું ખેડૂત જણાવી રહ્યા છે.
ખેડૂતોમાં ભયનો માહોલઃ ને હવે આ પાક ફરીથી પૂળામાંજ ઊગી નીકળશે તેવો ભય સેવી રહ્યા છે. આમ દાંતા પંથક માં તૈયાર થયેલો પાક કમોસમી વરસાદના કારણે નકામો થતો જોવા મળી રહ્યો છે ને ખેડૂતો મોંઘા ભાવના બિયારણથી તૈયાર કરાયેલા પાક બગડી જવાની શક્યતાઓને લઈ સરકાર સરવે કરાવી વળતર આપે તેવી માગ કરી રહ્યા છે.
વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યાઃ જોકે, ગત મોડી રાત્રિએ અંબાજીમાં ખાબકેલા ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારોના કાચા મકાનોમાં પાણી ભરાઈ જતા લોકોએ ઘરમાં પાણી સાથે રાત વિતાવી હતી ને સવારે પાણી ઉલેચી ઘર વખરી સાફ કરી હતી આમ માહ માસના માવઠાએ અનેક લોકોને હેરાન કર્યા છે.