- ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાથી બનાસકાંઠા બન્યું ઠંડુગાર
- ઠંડીથી રક્ષણ મેળવવા લોકોએ તાપણી અને ગરમ કપડાંનો લીધો સહારો
- શિયાળામાં લોકો કરે છે સૌથી વધુ વોકિંગ
બનાસકાંઠા: છેલ્લા 4 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં કાતિલ ઠંડી પડી રહી છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાની સીધી અસર હાલ બનાસકાંઠા જિલ્લા પર જોવા મળી રહી છે. દર વર્ષે શિયાળાની શરૂઆત થતાં ઉત્તર ભારતમાં ભારે વરસાદ થાય છે જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં સતત ઠંડીનો પારો નીચે જોવા મળે છે. હાલમાં શિયાળાની શરૂઆતમાં ઠંડી ઓછા પ્રમાણમાં જોવા મળી હતી પરંતુ છેલ્લા ચાર દિવસથી ઠંડીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરતા ઠંડી વધતાની સાથે જ તેની સીધી અસર લોકોના જનજીવન પર જોવા મળી રહી છે.
છેલ્લા ચાર દિવસથી ઠંડીએ જોર પકડ્યું
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે. બનાસકાંઠામાં સૌથી વધુ ઠંડી ડીસા શહેરમાં પડે છે. ગુજરાતમાં પણ દર વર્ષે સૌથી વધુ ઠંડી ઉત્તરદિશામાં પડતી હોય છે ત્યારે છેલ્લા ચાર દિવસથી પડી રહેલી કાતિલ ઠંડીના કારણે હાલ ડીસા શહેરના તમામ રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જ્યાં સવારે તે રસ્તાઓ લોકોથી ઉભરાતા હતા તે રસ્તાઓ હાલ ઠંડીના કારણે સુમસામ ભાસી રહ્યા છે.
ડીસા શહેરમાં લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે અવનવા ઉપાયો કરી રહ્યા છે ખાસ કરીને ગરમ વસ્તુથી ઠંડી સામે રક્ષણ મેળવી શકાય છે ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ ડીસા શહેરમાં 10 ડિગ્રીથી નીચે ઠંડીનુ તાપમાન ગયું છે જેના કારણે લોકો સવારથી તાપણી કરતા નજરે જોવા મળી રહ્યા છે. ધંધા અર્થે આવતા માર્કેટયાર્ડમાં લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે સ્વેટર મફલર અને ગરમ ટોપીનો સહારો લઈ રહ્યા છે લોકો પણ રસ્તા ઉપર હાલ ગરમ કપડાંથી ઢંકાયેલા નીકળતા જોવા મળી રહ્યા છે.
શિયાળામાં કસરત માટે લોકો નીકળી પડ્યા
શિયાળામાં લોકો સૌથી વધુ કસરતનું મહત્વ આપતા હોય છે, ખાસ કરીને શિયાળામાં લોકો વહેલી સવારથી જ રસ્તા ઉપર વોકિંગ કરવા માટે જતા હોય છે ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલ કાતિલ ઠંડીના કારણે લોકો સવારથી જ કસરત કરવા માટે નીકળી પડતા હોય છે, ડીસા શહેરમાં પણ ટીસીડી ગ્રાઉન્ડ ખાતે સવારથી જ પુરૂષો અને મહિલાઓ વોકિંગ કરવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે, શિયાળામાં કસરત કરવાથી શરીર તંદુરસ્ત રહે છે અને સાથોસાથ ઠંડીમાં લોકો હાલ લોકો અલગ અલગ પ્રકારે સૂપ અને કઠોળ પણ લઈ રહ્યા છે.