બનાસકાંઠાઃ જિલ્લામાં 2017માં આવેલ ભયંકર પૂરમાં ધાનેરામાં અને ઘણું નુકસાન થયું હતું. ખાસ કરીને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે રેલ નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ નદીના પાણીના પ્રવાહમાં ધાનેરામાં તબાહી મચી ગઈ હતી. ત્યારે બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધાનેરા પાસે આવેલી રેલ નદીમાં પાણી આવતા લોકો ખુશખુશાલ બન્યા છે.
ધાનેરા પાસે આવેલી રેલ નદીમાં શુક્રવાારે વહેલી સવારથી જ પાણીના ઘોડાપૂર આવ્યા છે. નદી બે કાંઠે વહેતી જોવા માટે લોકોના ટોળેટોળા આવી ગયા હતા. બનાસકાંઠા જિલ્લાની એક માત્ર રેલ નદી બે કાંઠે વહેતા લોકોમાં ખુશીનો માહોલ છે. 2015 અને 2017માં આજ રેલ નદી ઓવરફ્લો થતા તેનું પાણી ધાનેરા શહેરમાં ઘુસતા મોટું નુકસાન થયું હતું લોકોના ઘરોમાં 15 થી 20 ફૂટ જેટલું પાણી ઘુસી જતા ધાનેરા શહેરના લોકોને મોટુ નુકશાન વેઠવું પડ્યું હતું. ત્યારે આ વર્ષે પણ રેલ નદી બે કાંઠે વહેતા અને પાણીના ઘોડાપૂર જોતા લોકો ફરી ચિંતામાં મુકાયા છે. ધાનેરા મામલતદારે પણ નદી કાંઠે રહેતા લોકોને સાવચેત કર્યા છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ઊંચાણ વાળી જગ્યા પર ખસી જવા અને નદી કાંઠે અવરજવર ન કરવા માટે એલર્ટ કર્યા છે.
તો બીજી તરફ પાટણમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જે પાણી બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને તેની આજુબાજુના અનેક ગામોમાં આવતા લોકો જોવા માટે ટોળે વળ્યા હતા. ત્યારે કાંકરેજ તાલુકાના થરા હારીજ રોડ ઉપર આવેલ અસાલડીની ડીપમાં શુક્રવારના રોજ વરસાદી પાણીના વહેણમાં ફરીથી એક ડમ્પર તણાયુ હતુ. આ ડમ્પરમા 4 લોકો સવાર હતા. ત્યારે ડમ્પર ચાલકની ગંભીર બેદરકારીથી તેને પોતાનું ડમ્પર પાણીમાં નાખ્યું હતું. જેથી પાણી વચ્ચે ડમ્પર પહોંચતા પાણીનો પ્રવાહ વધ્યો હતો.
જેથી આ ડમ્પર પાણીના વહેણમાં ગરકાવ થવા લાગ્યું હતુ. પરંતુ તે સમયે આજુબાજુના લોકો હાજર હોવાથી તેઓએ ડૂબી રહેલ ડમ્પરમાં સવાર તમામ 4 લોકોનો પાણીના વહેણમાંથી બહાર નીકાળવા માટેની કામગીરી શરૂ કરી હતી. જ્યાં આજુબાજુના લોકોની ભારે જહેમત બાદ આ 4 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ડ્રાયવરને ખબર પડે તે પહેલાં જ પાણીનો પ્રવાહ વધતા ડમ્પર તણાયું હતું.