બનાસકાંઠાઃ કોરોના વાઈરસની વૈશ્વિક મહામારી સામે સમગ્ર દેશ અને દુનિયા જંગ લડી રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા યુધ્ધના ધોરણે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોરોના વાઈરસને જીલ્લામાં ફેલાતો અટકાવવા માટે કલેકટર સંદીપ સાગલેના નેતૃત્વ હેઠળ સમગ્ર જીલ્લા વહીવટીતંત્ર, સેવાભાવી લોકો, સ્વૈચ્છીક સંસ્થાઓ અને યુવાનો વગેરે સાથે મળી રાત દિવસ અથાક પ્રયાસો કરી રહ્યા છે.
![બનાસકાંઠા જીલ્લા કલેકટર સંદીપ સાગલે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6934030_banaskatha.jpg)
કોરોના મહામારી સામે દેશ અને દુનિયામાં જંગ ચાલી રહ્યો છે ત્યારે પાલનપુરના એક મહિલા ડોકટરને ઘણીબધી શારીરિક તકલીફો હોવા છતાં અત્યારે કોરોના સામેની જંગમાં યોધ્ધા બનીને દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. ડો.ગીતાબેન પટેલ જેઓ પાલનપુરની જનરલ હોસ્પિટલમાં ક્લાસ વન એનેસ્થેટીસ્ટ ડોકટર તરીકે ફરજ બજાવે છે. બહુ જ ઓછા માણસોને હોય તેવી શારીરિક બિમારીની તેમને તકલીફ છે. તેમને ઘણીવાર સર્જરી પણ કરાવવી પડી છે પરંતુ કોરોના વિશેની ગંભીરતાને એક ડોકટર તરીકે સારી રીતે સમજી તથા દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર રહેતા ડો. ગીતાબેન અત્યારે પાલનપુર સિવીલ હોસ્પીટલના સ્ટાફ સાથે અથાક કામગીરી કરી રહ્યાં છે.
તેણી કહે છે કે, સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોનાને લીધે વિકટ પરિસ્થિતિ છે. ભારત સામે પણ આ મહામારી સામે લડવાની મોટી જવાબદારી છે. તેમણે કહ્યું કે, જીલ્લામાં કલેકટર સહિત સ્વાસ્થય અને અન્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પોલિસ વિભાગ તોમજ સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરે ખુબ સારી કામગીરી કરી રહ્યા છે. તો આવા સમયે પીછેહઠ નથી જ કરવી એવુ મેં મક્કમતાથી નક્કી કર્યુ છે એટલે જ હું શારીરિક તકલીફોને એક બાજુએ મુકીને હકારાત્મક અભિગમ સાથે કામ કરું છું અને કરતી રહીશ.
તેમણે કહ્યું કે, મને મારા પરિવાર, મિત્રો અને સ્ટાફ તરફથી ખુબ જ સારો સહયોગ મળે છે. મારા પરિવારનો પ્રેમ અને હૂંફ જ મને કામ કરવા તાકાત પુરી પાડે છે. તેમણે લોકોને ઘરમાં રહેવા અને હોંસલો બુલંદ રાખવા જણાવ્યું છે. મૂળ વિસનગર તાલુકાના વાલમ ગામનાં વતની ડો.ગીતાબેન પટેલ કહે છે કે, દરેક માણસની સમાજ પ્રત્યે કોઇને કોઇ જવાબદારી હોય છે. ડોકટર તરીકે કોઇ વ્યક્તિ બહુ જ સારી સમાજ સેવા કરી શકે છે. કોઇ પણ દર્દી જરૂરીયાતના સમયે તેમને ગમે ત્યારે ફોન કરી શકે છે. તેમજ તેમના પતિ પણ આંખના સર્જન છે. કોરોના સંદર્ભે લોકોને અપીલ કરતાં તેણીએ કહ્યું કે, અનિવાર્ય કામ સિવાય ઘર બહાર ના નિકળો. કોરોનાથી ડરવાની નહીં પરંતુ જાગૃત અને સજાગ રહેવાની જરૂર છે.
બે વાર મોતને હાથતાળી આપનાર ગીતાબેન વિશે કલેકટર સંદીપ સાગલેએ ડો.ગીતાબેનની સેવાકીય ભાવનાને બિરદાવતાં જણાવ્યું હતું કે, અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાનું સંકટ વિકટ બની રહ્યું છે તેમજ વડાપ્રધાનની અપીલને પગલે આપણા કોરોના યોધ્ધાઓ લડી રહ્યા છે ત્યારે આ મહાસંકટના સમયે પાલનપુર સિવીલ હોસ્પિટલના એનેસ્થેટીક ડો.ગીતાબેન પટેલ કોરોના વોરીયર બનીને લડી રહ્યાં છે.
ડો. ગીતાબેનને ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ નામની ગંભીર અને દુર્લભ બિમારી છે. ઉપરાંત તેમના બન્ને ફેફસાં અને શરીરના અન્ય ભાગોમાં પણ ઓપરેશન કરાવેલા છે. તેઓ બે વાર મોતના મુખમાંથી પાછા આવ્યા છે. કલેકટરએ કહ્યું કે, એમના આ જોશ, જુસ્સો, શક્તિ અને સેવાકીય ભાવનાને જીલ્લા વહીવટીતંત્ર વતી હું સલામ કરી બિરદાવું છું.